અમેરિકન ડ્રીમ્સ રોળાયા! ટ્રમ્પ સરકારે 1 લાખથી વધુ વિઝા રદ કર્યા…

વોશીંગ્ટન ડી સી: યુએસ જઈને ભણવા, કામ કરવા કે વસવાનું લાખો લોકોનું સપનું તૂટી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્ર યુએસ ઈમિગ્રેશન પોલિસી વધુને વધુ કડક બનાવી રહી છે, યુએસએ વર્ષ 2025 માં 1,00,000 થી વધુ વિઝા રદ કર્યા છે, જેમાં લગભગ 8,000 સ્ટુડન્ટ વિઝાનો સમાવેશ થાય છે. ગુનાહિતને ટાંકીને ઈમિગ્રેશન પર રોક લગાવવા માટે કરવામાં આવી રહેલી કાર્યવાહી હેઠળ આ વિઝા રદ કરવામાં આવ્યા છે.
એક અહેવાલ મુજબ વર્ષ 2024માં બાઈડેનના વહીવટના 40,000 વિઝા રદ કરવામાં આવ્યા હતાં. આ વર્ષ 2025માં વર્ષ 2024 કરતા બમણાથી વધુ વિઝા રદ કરવામાં આવ્યા હતાં.
દેશનિકાલ કરવાની કાર્યવાહી ચાલુ રહેશે:
સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં જણાવ્યું, “અમે અમેરિકાને સુરક્ષિત રાખવા માટે બદમાશોનો દેશનિકાલ કરવાની કાર્યવાહી ચાલુ રાખીશું.” નિવેદનમાં જણાવવામાં આવ્યું કે “સ્ટેટ ડિપાર્ટમેન્ટે 100,000 થી વધુ વિઝા રદ કર્યા છે, જેમાં ગુનાહિત પ્રવૃત્તિ માટે યુએસ લો એન્ફોર્સમેન્ટ અધિકારીઓ જેમની સામે કાર્યવાહી કરી છે એવા લગભગ 8,000 સ્ટુડન્ટ વિઝાધારકો અને 2,500 સ્પેશીયલ વિઝાધારકોનો સમાવેશ થાય છે.”

ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ લોકો સામે કાર્યવાહી:
સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય ડેપ્યુટી સ્પોક પર્સન ટોમી પિગોટે જણાવ્યું હતું કે એક વર્ષથી ઓછા સમયમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે 100,000 થી વધુ વિઝા રદ કર્યા છે. હુમલો, ચોરી અને નશામાં વાહન ચલાવવા સહિતના ગુનાઓ હેઠળ આરોપી અથવા દોષિત હજારો વિદેશી નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા છે.
અહેવાલમાં જણાવાયું છે કે 2025 માં રદ કરવામાં આવેલા મોટાભાગ વિઝા બિઝનેસ અને ટુરિસ્ટ વિઝા હતાં, તેમના કેટલાક વિઝાધારકો વિઝાની મુદત સમાપ્ત થયા બાદ પણ યુએસમાં રોકાયેલા હતાં.
લો ઇન્ફોર્સમેન્ટ અધિકારીઓની તપાસનો સામનો કરી રહેલા 8,000 સ્ટુડન્ટ અને 2,500 સ્પેશીયલ વિઝા ધરાવતા લોકોના વિઝા રદ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો…ભારતમાં યુએસ એમ્બેસીએ વિદ્યાર્થી વિઝા ધારકોને આપી ચેતવણી, કહ્યું તો… ડિપોર્ટ કરવામાં આવશે
સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા જેના વિઝા રદ કરવામાં આવ્યા છે, એવા સ્પેશીયલ વિઝાધારકોમાંથી અડધાની દારૂ પીને વાહન ચલાવવાની ધરપકડ કરવામાં આવી હતી, 30% પર હુમલો, મારપીટ અથવા અપહરણ જેવા આરોપો હતાં, અને બાકીના 20% ચોરી, બાળકો સાથે દુર્વ્યવહાર, ડ્રગ્સનું સેવન અને વિતરણ, અને છેતરપિંડી અને ઉચાપત જેવા આરોપો લાગેલા છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું કે લગભગ 500 વિદ્યાર્થીઓના વિઝા ડ્રગ્સ રાખવા અને વેચવા બદલ રદ કરવામાં આવ્યા છે.



