ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશને આપ્યો ઝટકોઃ તમામ મદદ બંધ કરવાનો લીધો નિર્ણય

ઢાકા: બાંગ્લાદેશમાં સત્તા પલટો થયા પછી હિંદુઓ પર અત્યાચાર અને ભારત સામે શિંગડા ભરાવનારા મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારને તાજેતરમાં અમેરિકન પ્રશાસન તરફથી ચોંકાવનારો નિર્ણય લેવામાં આળ્યો છે, જેનાથી યુનુસ સરકારની ઊંઘ પણ હરામ થઈ શકે છે. મીડિયાના અહેવાલ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશ સરકારને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાએ બાંગ્લાદેશ સરકારને તમામ સહાય બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી બાંગ્લાદેશને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

બાંગ્લાદેશમાં તમામ કામ બંધ કરવા આદેશ
અમેરિકાએ બાંગ્લાદેશને આપવામાં આવતી તમામ પ્રકારની સહાય બંધ કરી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ USAIDએ બાંગ્લાદેશમાં તમામ કામ બંધ કરી દીધા છે. 25 જાન્યુઆરીના રોજ જારી કરવામાં આવેલા એક પત્રમાં USAIDએ તેના ભાગીદારોને તમામ કરારો, અનુદાન અને સહાય કાર્યક્રમો તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું. અમેરિકા દ્વારા આપવામાં આવતી વિદેશી સહાયની સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : રાજકોટ SOGની કાર્યવાહી; રંગપર ગામથી ઝડપાયા બે બાંગ્લાદેશી ઘૂસણખોર

બાંગ્લાદેશને પડ્યા પર પાટું
યુનાઇટેડ સ્ટેટ્સની એજન્સી USAID એ બાંગ્લાદેશમાં કરાર, કાર્ય-આદેશ, અનુદાન, સહકારી કરાર અથવા અન્ય સહાય અથવા પ્રાપ્તિ સાધનો હેઠળ કોઈ પણ કાર્યને તાત્કાલિક બંધ અથવા સ્થગિત કરવાની જાહેરાત કરી છે. અમેરિકાનો આ નિર્ણય રાજકીય અને આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહેલા બાંગ્લાદેશને પડ્યા પર પાટુ સમાન છે. આ નિર્ણય બાદ બાંગ્લાદેશને વધુ મોટા પડકારોનો સામનો કરવો પડશે તેવી ચર્ચા છે.

USAIDના આ નિર્ણયથી અમેરિકા અને બાંગ્લાદેશના સંબંધો પર પણ અસર જોવા મળી શકે છે. બાંગ્લાદેશ સરકારે અમેરિકાના આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી છે. અમેરિકાના આ પગલાંથી આંતરરાષ્ટ્રીય સમુદાય પણ ચિંતિત છે. અમેરિકા પોતાની વિદેશ નીતિની સમીક્ષા કર્યા પછી હવે આગામી સમયમાં શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button