ફ્રી પેલેસ્ટાઇનના નારા સાથે વ્યક્તિએ અમેરિકાના કોલોરાડોમાં પેટ્રોલ બોંબ ફેંક્યો, છ લોકો દાઝ્યા

કોલોરોડા : અમેરિકામાં એક આતંકવાદી ઘટના સામે આવી છે. રવિવારે અમેરિકાના કોલોરાડો રાજ્યના બોલ્ડર વિસ્તારમાં એક વ્યક્તિએ અનેક લોકો પર હુમલો કર્યો છે. આ હુમલો મોલોટોવ કોકટેલથી કરવામાં આવ્યો હતો જે પેટ્રોલ બોમ્બ જેવું કામ કરે છે. આ હુમલામાં 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ ઘટના અંગે યુએસ ગુપ્તચર એજન્સી એફબીઆઈએ જણાવ્યું હતું કે આ એક લક્ષિત આતંકવાદી હુમલો છે.
મોલની બહાર હુમલો કરવામાં આવ્યો
બોલ્ડરના આઉટડોર મોલની બહાર કેટલાક લોકો ઇઝરાયલી બંધકોની યાદમાં એકઠા થયા હતા. ત્યારબાદ એક પેલેસ્ટાઇન સમર્થક ત્યાં આવ્યો. તેણે ત્યાં ઉભેલા લોકોના જૂથ પર મોલોટોવ કોકટેલ ફેંક્યો. આના કારણે છ લોકો દાઝી ગયા છે.
ફ્રી પેલેસ્ટાઇનનો નારો લગાવ્યો
આ હુમલાખોરની ઓળખ મોહમ્મદ સાબરી સોલીમાન તરીકે થઈ છે. તેમજ ભીડ પર હુમલો કર્યા બાદ મોહમ્મદ સોલીમાનએ ફ્રી પેલેસ્ટાઇનનો નારો પણ લગાવ્યો. આ હુમલા બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે આ હુમલો ગાઝામાં રહેતા ઇઝરાયલી બંધકોની યાદમાં આયોજિત એક કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો. બોલ્ડર પોલીસ વડા સ્ટીફન રેડફર્ને કહ્યું કે તેમની પાસે જે માહિતી છે તે હજુ પણ ખૂબ જ પ્રાથમિક છે.
કાશ પટેલે તેને આતંકવાદી ઘટના ગણાવી
એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે તેને આતંકવાદી ઘટના ગણાવી છે. જોકે, પોલીસ અધિકારીઓનું કહેવું છે કે હુમલા પાછળનો હેતુ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસ વડા સ્ટીવ રેડફર્ને કહ્યું કે સાક્ષીઓની હજુ પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.કોલોરાડોના ગવર્નર જેરેડ પોલિસે કહ્યું કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. તેમણે હિંસાની નિંદા કરી હતી.
આપણ વાંચો: નેપાળમાં રાજશાહી અને હિન્દુ રાષ્ટ્રના દરજ્જાને મુદ્દે જોરદાર વિરોધ પ્રદર્શન, લોકો રસ્તા પર ઉતર્યા
અમેરિકામાં યહૂદી વિરોધી હિંસામાં વધારો
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં યહૂદી વિરોધી હિંસામાં વધારો થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિએ ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓને ગોળી મારીને ફ્રી પેલેસ્ટાઇનનો નારો લગાવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી.