ટ્રમ્પના ‘આકરા તેવર’ સામે ડ્રેગન ઝૂક્યુંઃ કહ્યું અમે વાતચીત માટે તૈયાર પણ…

બીજિંગ-વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ સહિતના મુદ્દે ખૂબ આકરા નિર્ણયો લઈ રહ્યા છે ત્યારે મળતા અહેવાલો પ્રમાણે ચીન પ્રશાસન અને અમેરિકા સામસામે આવી ગયા પછી હવે ચીને જરા નમતું જોખ્યું છે. આ દરમિયાન અમેરિકાએ ચીની માલની આયાત પર 245 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. 145 ટકા વર્તમાન ટેરિફને સ્થાને 100 ટકાનો વધારો કરવામા આવત ચીને હવે કૂણું વલણ અખત્યાર કર્યું છે. ચીન ઘણા સમયથી અમેરિકા સામે અક્કડ વલણ દેખાડી રહ્યું હોય અમેરિકાએ તેના આકરા તેવર દેખાડતા હતા.
…. તો ચીન વાતચીત માટે તૈયાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અપનાવેલા આક્રમક વલણ બાદ ચીન તેના અક્કડ વલણથી થોડું કૂણું પડ્યું છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા ભીષણ ટેરિફ વોરમાં એક આશાનું કિરણ જોવા મળ્યું છે. આજે અમેરિકાએ ચીની ઉત્પાદનો પર ટેરિફ વધારીને 245 ટકા કરવાની જાહેરાત કરી બાદમાં ચીને કહ્યું છે કે જો ટ્રમ્પ આદર બતાવે છે, તો વાતચીત માટે તૈયાર છે. સમાચાર એજન્સી મીડિયાના જણાવ્યા અનુસાર બંને દેશો વચ્ચે વાતચીત શરૂ કરવા માટે ચીને જે શરતો મૂકી છે તેમાં ચીન પ્રત્યે આદર દર્શાવવાનો પણ સમાવેશ થાય છે.
ટ્રમ્પ અને જિનપિંગ કરારમાં કરી શકે હસ્તાક્ષર
મીડિયાના અહેવાલો અનુસાર આ અન્ય શરતોમાં વધુ સુસંગત અમેરિકન વલણ અમેરિકન પ્રતિબંધો અને તાઇવાન પર ચીનની ચિંતાઓને દૂર કરવાની તૈયારી અને વેપાર અને ટેરિફ પર દ્વિપક્ષીય વાટાઘાટો કરવા માટે ટ્રમ્પ દ્વારા સમર્થિત અમેરિકન સંપર્ક વ્યક્તિની નિમણૂકનો સમાવેશ થાય છે. યુએસ સંપર્ક વ્યક્તિ વાટાઘાટોનું નેતૃત્વ કરશે અને એક કરારનો મુસદ્દો તૈયાર કરવામાં મદદ કરશે જેના પર ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બેઠક દરમિયાન હસ્તાક્ષર કરી શકે છે.
દુર્લભ ખનિજો અને ચુંબકની નિકાસ પર પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના ટેરિફના જવાબમાં ચીને અમેરિકા પર 125 ટકા ટેરિફ લાદ્યો છે. ચીને કારથી લઈને ઇલેક્ટ્રોનિક્સ અને શસ્ત્ર પ્રણાલીઓ સુધીના વિવિધ ઉત્પાદનોના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા મહત્વપૂર્ણ અને દુર્લભ ખનિજો તેમજ ચુંબકની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આવા મહત્વપૂર્ણ અને દુર્લભ ખનિજો અને ચુંબકોના પુરવઠા પર ચીનનો લગભગ એકાધિકાર છે, તેથી પ્રતિબંધ ઉત્પાદન પર ખરાબ અસર કરશે તેવી અપેક્ષા છે.
ચીની આયાત પર 245 ટકા ટેરિફની જાહેરાત
અમેરિકાએ ચીન સામે ટેરિફ બોમ્બમાં નવો ધમાકો કર્યો છે અને ચીની આયાત પર 245 ટકા ટેરિફની જાહેરાત કરી છે, જે અત્યાર સુધી 145 ટકા જ લાગતો હતો, પરંતુ જ્યારે ચીને જ્યારે અમેરિકાની કાર્યવાહી સામે 125 ટકા ટેરિફની જાહેરાત કરી હતી ત્યાર બાદ હવે અમેરિકાએ આ નિર્ણય કર્યો છે.
શા માટે અમેરિકા કરી રહ્યું છે કાર્યવાહી?
માનવામાં આવી રહ્યું છે કે આ સમયગાળા દરમિયાન અન્ય દેશો અમેરિકા સાથે વેપાર સોદા કરી શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે બેકચેનલ દ્વારા વેપાર સોદા પર વિચાર મંથન પણ શરૂ થઈ ગયું છે અને આ માટે બેઠકોનો દોર ચાલી રહ્યો હોવાના પણ અહેવાલો છે. ચીનને લઈ અમેરિકાએ પણ ટેરિફનો જવાબ ટેરિફથી આપી રહ્યું છે.
આપણ વાંચો : ટ્રમ્પ ટેરિફથી ચીન બેઅસર, ટેરિફમા વધારો છતા નિકાસમા વધારો