H-1B વિઝા ફીમાં વધારો ગેરકાયદે! US ચેમ્બર ઓફ કોમર્સે ટ્રમ્પ સરકાર વિરુદ્ધ માંડ્યો મુકદ્દમો…

વોશિંગ્ટન ડી સી: ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે નવા H-1B વિઝા અરજીઓ પર 1,00,000 યુએસ ડોલરની ફી લાદી છે, જેની અસર વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખતી યુએસ કંપનીઓ પર થઇ છે. એવામાં યુએસ ચેમ્બર ઓફ કોમર્સે H-1B વિઝા પર ફી વધારા સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ચેમ્બરે ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિને ગેરમાર્ગે દોરનારી અને ગેરકાયદે ગણાવી છે.
યુએસ ચેમ્બર ઓફ કોમર્સે ગુરુવારે કોલંબિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મુકદ્દમો દાખલ કર્યો હતો. ચેમ્બરે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા 19 સપ્ટેમ્બરના રોજ બિન-ઇમિગ્રન્ટ એમ્પ્લોયીઝના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાતને પડકારવામાં આવી છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે ટ્રમ્પ વહીવટીતંત્રનો નિર્ણય H-1B વિઝા કાર્યક્રમનું નિયમન કરવાની કોંગ્રેસની સત્તાનો ભંગ કરે છે.
આ મામલામાં હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ, તેના સેક્રેટરી ક્રિસ્ટી એલ. નોએમ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ્સ અને તેના સેક્રેટરી માર્કો રુબિયને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.
યુએસ ચેમ્બરના પદાધિકારીએ જણાવ્યું હતું કે H-1B વિઝા પર લાદવામાં આવેલી ફી વર્તમાન સ્તર લગભગ $3,600 યુએસ ડોલરથી ખુબ વધુ છે. તેથી યુએસ એમ્પ્લોયર્સને H-1B પ્રોગ્રામનો ઉપયોગ કરવાનું વધુ મોંધુ પડશે, ખાસ કરીને સ્ટાર્ટ-અપ્સ અને નાના અને મધ્યમ કદના વ્યવસાયોને વધુ તકલીફ પડશે.
તેમણે માહિતી આપતા જણાવ્યું કે તમામ કદના યુએસ બિઝનેસને વિકસવા માટે જરૂરી વૈશ્વિક પ્રતિભા મળી શકે એ માટે કોંગ્રેસ દ્વારા આ કાયદો ઘડવામાં આવ્યો હતો. ટ્રમ્પ વહીવટીતંત્રની આ જાહેરાત માત્ર ભ્રામક જ નથી, પરંતુ સ્પષ્ટપણે ગેરકાયદેસર પણ છે.
ચેમ્બરે એવી પણ ફરિયાદ કરી કે આ ઘોષણા રાષ્ટ્રપતિના કાયદેસર અધિકારની બહાર છે.