ઇન્ટરનેશનલ

અમેરિકાના ઈરાનના પરના હુમલા બાદ બ્રિટન, સાઉદી અરેબિયા અને ચીન સહિતના દેશોએ આપી પ્રતિક્રિયા

નવી દિલ્હી : અમેરિકાના ઈરાનના પરમાણુ સ્થળો પરના હુમલા બાદ વિશ્વના વિવિધ દેશોએ પ્રતિક્રિયા આપી છે. જેમાં બ્રિટને અમેરિકાનો સાથ આપતા ઈરાનના પરમાણુ સ્થળો પરના હુમલાને યોગ્ય ઠેરવ્યો છે અને કહ્યું છે કે હવે ઈરાને વાટાઘાટોના ટેબલ પર આવવું જોઈએ. જ્યારે સાઉદી અરેબિયાએ એ કહ્યું છે કે અમેરિકાના હુમલા પછી ઈરાનમાં રેડિયેશનનો કોઈ ખતરો નથી. સાઉદી અરેબિયાએ રાજદ્વારી વાતચીત દ્વારા ઉકેલ લાવવાની હિમાયત કરી છે.

ન્યુઝીલેન્ડે વાટાઘાટોમાં પરત ફરવાનો આગ્રહ કર્યો

ન્યુઝીલેન્ડના વિદેશ પ્રધાન વિન્સ્ટન પીટર્સે રવિવારે શાંતિ સ્થાપવા માટે બધા પક્ષોને વાટાઘાટોમાં પાછા ફરવાનો આગ્રહ કર્યો. તેમણે પત્રકારોને ન્યુઝીલેન્ડ રાષ્ટ્રપતિ ટ્રમ્પના પગલાને સમર્થન આપે છે કે નહીં તે અંગે મૌન સેવ્યું હતું. તેમણે કહ્યું કે આ અત્યાર સુધીની સૌથી ગંભીર કટોકટી છે અને તેને વધતા અટકાવી શકાય છે. તેમણે કહ્યું, લશ્કરી કાર્યવાહી કરતાં રાજદ્વારી ઉકેલ કાયમી રહેશે.

ઓમાને યુએસ હુમલાની નિંદા કરી

ઓમાનએ ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાની ખુલ્લેઆમ નિંદા કરી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી પરમાણુ વાટાઘાટોમાં ઓમાન પણ મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું હતું. ઓમાનએ હુમલાને ખોટો ગણાવીને તણાવ ઓછો કરવાની હાકલ કરી છે.

પશ્ચિમ એશિયામાં લશ્કરી હસ્તક્ષેપના ઘણીવાર અણધાર્યા પરિણામો : ચીન

ચીને પણ ઈરાન પર અમેરિકાના હુમલા પર પ્રતિક્રિયા આપી છે. ચીનના રાજ્ય મીડિયાએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું અમેરિકા ઈરાનમાં એ જ ભૂલનું પુનરાવર્તન કરી રહ્યું છે જે તેણે ઈરાકમાં કરી હતી. ચીને એક ઓનલાઈન લેખમાં કહ્યું છે કે અમેરિકાનો હુમલો એક ખતરનાક વળાંકનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2003માં ઈરાક પર અમેરિકાના આક્રમણનો ઉલ્લેખ કરતા લેખમાં કહેવામાં આવ્યું છે કે, ઈતિહાસે વારંવાર દર્શાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં લશ્કરી હસ્તક્ષેપના ઘણીવાર અણધાર્યા પરિણામો આવે છે. જેમાં લાંબા સમય સુધી સંઘર્ષ અને સતત પ્રાદેશિક અસ્થિરતાનો સમાવેશ થાય છે.

જાપાન અને દક્ષિણ કોરિયા બેઠક યોજશે

જાપાનના ટેલિવિઝન અનુસાર, જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબા રવિવારે બપોરે મુખ્ય પ્રધાનો સાથે બેઠક યોજશે જેથી ઈરાની પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાની અસરની ચર્ચા કરી શકાય. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું હતું કે તે રવિવારે અમેરિકાના હુમલાના સુરક્ષા અને આર્થિક પરિણામો અને દક્ષિણ કોરિયાના સંભવિત પ્રતિભાવની ચર્ચા કરવા માટે એક કટોકટી બેઠક યોજશે.

આ પણ વાંચો -‏‏‎ ઇઝરાયલ ઈરાન યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી વૈશ્વિક તણાવમાં વધારો, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાના સંકેત

ઓસ્ટ્રેલિયા રાજદ્વારી ઉકેલની હિમાયત કરી અમેરિકાને સમર્થન આપ્યું

ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર ઇઝરાયલ-ઈરાન સંઘર્ષનો રાજદ્વારી ઉકેલ શોધવાની હિમાયત કરી છે. એક સરકારી અધિકારીએ એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે સ્પષ્ટપણે કહ્યું છે કે ઈરાનનો પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે. અમે યુએસ રાષ્ટ્રપતિના આ નિર્ણયને સમર્થન આપીએ છીએ કે હવે શાંતિનો સમય આવી ગયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button