ઇન્ટરનેશનલ

અમેરિકાના હુમલાથી વધારે નુકસાન થયું: પહેલી વાર ઈરાને સ્વીકાર્યું

તહેરાન: ઇઝરાયલ-ઈરાન વચ્ચે 12 દિવસ યુદ્ધ ચાલ્યું હતું. આ દરમિયાન અમેરિકાએ પણ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ઈરાને પણ કતાર ખાતેના અમેરિકન એરબેઝ પર જવાબી હુમલો કર્યો હતો, જેનાથી અમેરિકાને તો કોઈ નુકસાન થયું ન હતું. પરંતુ અમરિકાના હુમલાથી ઈરાનને ભારે નુકસાન થયું છે. જેની હવે ઈરાને કબૂલાત પણ કરી છે.

બોમ્બના હુમલા ઘણા પ્રભાવશાળી હતા

આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ અમેરિકાના હુમલાથી પરમાણુ ઠેકાણાઓને ભારે નુકસાન પહોંચ્યાની પુષ્ટી કરી છે. તેમણે હુમલાઓ વિશે વિસ્તૃત માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ સાથોસાથ કબૂલ્યું હતું કે ગયા રવિવારે અમેરિકન B-2 બોમ્બર્સ દ્વારા કરવામાં આવેલા બંકર-બસ્ટર બોમ્બના હુમલા ઘણા પ્રભાવશાળી હતા. અમારા પરમાણુ ઠેકાણાઓને ગંભીર રીતે નુકસાન પહોંચ્યું છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી.

ઈરાને સામે ચાલીને નુકસાનની કરી કબૂલાત

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના અહેવાલો અને સેટેલાઈટના આંકડાઓ પરથી અમેરિકાના હુમલાની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. પરંતુ અત્યારસુધી ઈરાન અમેરિકાના હુમલાથી પરમાણુ ઠેકાણાઓને થયેલા નુકસાનને નકારી રહ્યું હતું. પરંતુ હવે યુદ્ધવિરામ બાદ ઈરાને સામે ચાલીને પરમાણુ ઠેકાણાઓને થયેલા નુકસાનની કબૂલાત કરી છે.

22 જૂને અમેરિકાએ કર્યો હતો હુમલો

ઉલ્લેખનીય છે કે, 22 જૂનને રવિવારની વહેલી સવારે અમેરિકાએ ઈરાનના નતાંજ, ફોર્ડો અને ઇસ્ફહાન પરમાણુ ઠેકાણાઓ પર બંકર-બસ્ટર બોમ્બ વડે હુમલો કર્યો હતો. ફોર્ડો ખાતેના પરમાણુ ઠેકાણા ખાતે 400 કિગ્રા યુરેનિયમ હોવાનું અનુમાન હતું. પરંતુ અમેરિકાના હુમલા પહેલા ઈરાને તેનું અન્ય ઠેકાણે સ્થળાંતર કરી લીધું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button