અમેરિકામાં કાર્ગો પ્લેન દુર્ઘટનાગ્રસ્ત, ત્રણનાં મોત: જુઓ વીડિયો…

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં વધુ એક પ્લેન દુર્ઘટના થઈ હતી. કેંટકીમાં લુઈસવિલે એરપોર્ટથી ઉડાન ભર્યાની ગણતરીની જ મિનિટોમાં યુપીએસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાનમાં ભયંકર વિસ્ફોટની સાથે આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા.
મૃતકોની વધી શકે છે સંખ્યા
આ દુર્ઘટનામાં અનેક ઘર બળીને તબાહ થઈ ગયા હતા. અધિકારીઓ દ્વારા એરપોર્ટ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમજ આસપાસમાં રહેતા લોકોને ઘરમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે તથા 11 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓના કહેવા પ્રમાણે, મૃતકોની સંખ્યા વધી શકે છે.
સૂત્રોએ જણાવ્યું કે, સ્થાનિક સમય મુજબ, સાજે 5.15 કલાકે દુર્ઘટના બની હતી. લુઈસવિલેના મોહમ્મદ અલી અરપોર્ટ પરથી હોનાલુલુ માટે પ્લેન ઉડાન ભરી રહ્યું હતું. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. હાલ બચાવ કામગીરી ચાલુ છે.
વિમાનમાં આશરે 2.80 લાખ ગેલન ઈંધણ હતું
લુઈસવિલેના મેયર ક્રેગ ગ્રીનબર્ગે કહ્યું, વિમાનમાં મોટી માત્રમાં જેટ ઈંધણ ભરેલું હતું. જેના કારણે આગ લાગી હતી. તેમણે કહ્યું, વિમાનમાં આશરે 2.80 લાખ ગેલન ઈંધણ હતું. જે અનેક રીતે ચિંતાનું કારણ છે. કેંટકીના ગવર્નર એન્ડી બેશિયરે ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમને લુઈસવિલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક એક વિમાન દુર્ઘટનાની જાણ મળી છે. બચાવ ટુકડીઓ પહેલાથી જ ઘટનાસ્થળે હાજર છે અને જેમ જેમ માહિતી ઉપલબ્ધ થશે, અમે તેને શેર કરીશું. પાયલોટ, ક્રૂ અને અસરગ્રસ્ત તમામ લોકો માટે પ્રાર્થના કરો. અમે જલ્દી જ વધુ માહિતી શેર કરીશું.
એરપોર્ટ પરથી થાય છે 300 ફ્લાઇટ્સનું સંચાલન
યુપીએસની સૌથી મોટી પેકેજ હેન્ડલિંગ સુવિધા લુઈસવિલેમાં છે. અહીં હજારો કર્મચારીઓ કામ કરે છે અને રોજની 300 ફ્લાઇટ્સનું સંચાલન થાય છે. યુપીએસની માલિકવાળું મેકડૉનલે ડગલસ એમડી-11 વિમાન 1991માં બનાવવામાં આવ્યું હતું.



