હંગેરીમાં ધમાલઃ 46 વર્ષના રાષ્ટ્રપતિને આપવું પડ્યું આ કારણસર રાજીનામું
બુડાપેસ્ટ: દેશમાં કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ હોય અથવા તો કોઇ મોટું કૌભાંડ પકડાયું હોય તો દેશના વડા પ્રધાન કે રાષ્ટ્રપતિને રાજીનામું આપવું પડે એવી ઘટના ઇતિહાસમાં અનેક વખત બની છે. જોકે, ફક્ત એક દોષી પ્રત્યે કુણું વલણ દાખવવાના કારણે કોઇ દેશના રાષ્ટ્રપતિએ રાજીનામું આપવું પડે એવું કદાચ તમે પહેલી જ વખત સાંભળતા હશો. પણ ખરેખર આવું બન્યુ છે અને તે પણ યુરોપના દેશ હંગેરીમાં.
હંગેરીના 46 વર્ષીય રાષ્ટ્રપતિ કેટલિન નોવાકે (Katalin Novák) રાષ્ટ્રપતિપદેથી પોતાનું રાજીનામું આપી દીધું છે. યૌન શોષણના એક દોષીને માફ કર્યા બાદ તેમણે આ પગલું લેવાની ફરજ પડી હતી. પોતે લીધેલા આ નિર્ણયના કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.
જે દોષીને માફી આપવામાં આવી તે એક બાળગૃહમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતો હતો. તેણે પોતાના બોસ દ્વારા અનેક બાળકો ઉપર કરાયેલા જાતિય શોષણને છુપાવવાો પ્રયત્ન કર્યો હતો. આ નિર્ણયને પગલે વિપક્ષ ઉપરાંત અન્ય જનતાએ રાષ્ટ્રપતિ ભવનની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
તેમણે એક ટેલિવિઝન ચેનલના માધ્યમે લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે આજે હું છેલ્લી વખત રાષ્ટ્રના પ્રમુખ તરીકે તમને સંબોધિત કરી રહી છું. હું રાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપી રહી છું.
પોતે દોષીને માફ કરીને ખોટું કર્યું હોવાનું પણ નોવાકે સ્વીકાર્યું હતું. હું લોકોના કુટુંબ અને તેમના બાળકોની સુરક્ષાના હિતમાં છું અને એ માટે કામ કરતી રહીશ, એમ જણાવી નોવાકે પોતાનું રાષ્ટ્રપતિ તરીકેનું છેલ્લું સંબોધન પૂરું કર્યું હતું.