UNSCની બેઠકમાં ગાઝામાં યુદ્ધવિરામ પર સર્વસંમતિ ન સધાઈ
ગાઝામાં ઈઝરાયેલના સતત હુમલા વચ્ચે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(યુએનએસસી)ની બેઠક ભરાઈ હતી. આ બેઠકમાં ફરી એકવાર યુદ્ધવિરામ પર સર્વસંમતિ સધાઈ શકી ન હતી. બુધવારે મળેલી બેઠકમાં અમેરિકા અને રશિયાએ યુએનએસસીમાં બે અલગ-અલગ પ્રસ્તાવ મૂક્યા હતા. પરંતુ બંનેને નકારી કાઢવામાં આવ્યા હતા. જ્યાં અમેરિકાએ રશિયાના પ્રસ્તાવ સામે વીટો વાપર્યો હતો. તે જ સમયે, ચીન અને રશિયાએ તેમના વીટો પાવરનો ઉપયોગ કરીને અમેરિકાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
યુએસએ તેના પ્રસ્તાવમાં માનવતાવાદી વિરામની અપીલ કરી હતી, પરંતુ યુદ્ધવિરામ નહીં. સાથે એવો પણ પ્રાસ્તાવ મુક્યો હતો કે સુરક્ષા પરિષદ દ્વારા પસાર કરાયેલ કોઈપણ ઠરાવમાં ઇઝરાયેલ અને ગાઝામાં હિંસા માટે હમાસને દોષી ઠેરવવાની ખાતરી આપવામાં આવે. યુનાઇટેડ સ્ટેટ્સ, અલ્બેનિયા, ફ્રાન્સ, એક્વાડોર, ગેબોન, ઘાના, જાપાન, માલ્ટા, સ્વિટ્ઝર્લેન્ડ અને બ્રિટને યુએસના ઠરાવની તરફેણમાં મતદાન કર્યું. બ્રાઝિલ અને મોઝામ્બિક મતદાનથી દૂર રહ્યા હતા. ચીન અને રશિયાએ તેમના વીટો પાવરનો ઉપયોગ કરીને અમેરિકાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
રશિયાના પ્રસ્તાવમાં ગાઝામાં યુદ્ધવિરામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. રશિયાના પ્રસ્તાવની તરફેણમાં ચાર મત પડ્યા હતા, જેમાં રશિયા અને ચીનનો સમાવેશ થાય છે. યુએસ અને બ્રિટને ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, જ્યારે અન્ય નવ સભ્યો ગેરહાજર રહ્યા હતા.