યુનાઇટેડ એરલાઇન્સના વિમાનમાં 'મેડે' એલર્ટ: વોશિંગ્ટનથી ઉડાન ભર્યા બાદ એન્જિનમાં ખામી | મુંબઈ સમાચાર

યુનાઇટેડ એરલાઇન્સના વિમાનમાં ‘મેડે’ એલર્ટ: વોશિંગ્ટનથી ઉડાન ભર્યા બાદ એન્જિનમાં ખામી

વોશિંગ્ટનઃ યુનાઇટેડ એરલાઇન્સના મ્યૂનિખ જઈ રહેલા બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને વોશિંગ્ટનથી ઉડાણ ભર્યાના થોડી મિનિટો બાદ તેના ડાબા એન્જિનમાં ખામી સર્જાતા ‘મેડે’ એલર્ટ જાહેર કર્યું હતું. આ વિમાનનું કોલ સાઈન યુએ108 હતું. આ ઘટના લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ થયાના થોડા સમય પછી અમદાવાદમાં ક્રેશ થયાના એક મહિના પછી બની હતી. આ વિમાન બોઇંગ 787-8 ડ્રીમલાઇનરનો પ્રથમ ભયાનક અકસ્માત હતો અને તેમાં લગભગ 260 લોકો માર્યા ગયા હતા.

ફ્લાઇટ યુએ108 એ 25 જુલાઈ, 2025ના રોજ ‘મેડે’ કોલ કર્યો હતો કારણ કે વિમાને ઉડાણ ભરી તેની થોડીક ક્ષણોમાં તેના ડાબા એન્જિનમાં લગભગ 5,000 ફૂટની ઊંચાઈએ ખામી સર્જાઈ હતી. પાઇલટ્સે એર ટ્રાફિક કંટ્રોલર્સને જાણ કરી અને એરપોર્ટ પર સુરક્ષિત રીતે પાછા ફરવા માટે ઈમરજન્સી પ્રક્રિયાઓ શરૂ કરી હતી. ફ્લાઈટઅવેયરના આંકડાઓ અનુસાર, ‘મેડે’ એલર્ટ જાહેર થયા બાદ યુનાઇટેડ એરલાઇન્સનું વિમાન 2 કલાક અને 38 મિનિટ સુધી હવામાં રહ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં હોનારત ટળીઃ ઈન્ડિગોની ફ્લાઈટમાં આગ લાગી, પાઈલટે ‘મેડે’ કોલે આપ્યો?

ફ્લાઈટઅવેયરે ઉમેર્યું હતું કે વિમાન વોશિંગ્ટન ડલેસ એરપોર્ટ પર પાછા ઉતરતા પહેલા સુરક્ષિત રીતે ઈંધણને ખાલી કરવા માટે વોશિંગ્ટનના ઉત્તર પશ્વિમમાં એક હોલ્ડિંગ પેટર્નમાં ચક્કર લગાવતું રહ્યું હતું. યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઇટની આ ઘટના ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકન એરલાઇન્સની એક ફ્લાઇટમાં ઈમરજન્સીની સ્થિતિ સર્જાયાના થોડા દિવસો પછી બની હતી.

શનિવારે કેબિનમાં ધુમાડો હોવાના અહેવાલો બાદ અમેરિકન એરલાઈન્સની ફ્લાઇટ 3023ના મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડ્સ મારફતે બહાર કાઢવામાં આવ્યા હતા. મિયામી જતી બોઇંગ 737 મેક્સ 8માં આ ખામી સર્જાઇ હતી. જેમાં”સંભવિત લેન્ડિંગ ગિયર”ની સમસ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, અમેરિકન એરલાઇન્સે પાછળથી કહ્યું કે વિમાનના ટાયરના કારણે આ સમસ્યા થઈ છે.

આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : ‘Mayday’ -‘મેડે’….‘મેડે’: એ શબ્દ નથી પણ વિશાળ ચિંતન છે

એવિએશન એટુઝેડના રિપોર્ટ અનુસાર, પાઇલટ્સે ઈંધણ ખાલી કરવા કહ્યું હતું અને ઇંધણને સુરક્ષિત રીતે ખાલી કરવા માટે અન્ય હવાઈ ટ્રાફિકથી સુરક્ષિત રીતે પોતાને અલગ કરવા માટે એટીસી ઓપરેટર સાથે સંકલન કર્યું હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button