Ebrahim Raisi ના મોતમાં આ દેશનો હાથ, પાકિસ્તાની પત્રકારે કર્યો આ મોટો દાવો
નવી દિલ્હી : ઈરાનના(Iran) રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના (Ebrahim Raisi) નિધન બાદ મંગળવારે ઈરાનમાં એક અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. બીજી તરફ સમગ્ર વિશ્વની નજર એની પર છે કે ઇબ્રાહિમ રઇસીના મોત માટે ખરેખર કોણ જવાબદાર છે? તેવા સમયે પાકિસ્તાનના પ્રસિદ્ધ પત્રકાર ઓમર ચીમાએ(Umar Cheema) ઇબ્રાહિમ રઇસીના મોત પર પોતાની થિયરી રજૂ કરી છે. તેમજ અમેરિકા તરફ આડકતરો ઈશારો કર્યો છે.
અમેરિકા આ હેલિકોપ્ટરને રિપેર નથી કરી રહ્યું
પાકિસ્તાની પત્રકાર ઓમર ચીમાનું માનવું છે કે ઇબ્રાહિમ રઇસીના મોત માટે અમુક હદ સુધી અમેરિકા પણ જવાબદાર છે, કારણ કે ઈબ્રાહિમ રઇસી જે હેલિકોપ્ટર બેલ 212માં મુસાફરી કરી રહ્યા હતા તે અમેરિકન હતું. ઓમર ચીમાએ કહ્યું કે હેલિકોપ્ટર અમેરિકન હતું, પરંતુ અમેરિકા આ હેલિકોપ્ટરને રિપેર નથી કરી રહ્યું . અમેરિકાએ ઈરાન પર અનેક પ્રતિબંધો લગાવ્યા હતા. ત્યારબાદ અમેરિકાએ હેલિકોપ્ટરની જાળવણી બંધ કરી દીધી હતી.
રઇસીનું હેલિકોપ્ટર કેમ થયું ક્રેશ ?
ઉમર ચીમાએ જણાવ્યું કે અમેરિકાના કહેવા પ્રમાણે, રઇસી જે હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા તે ખરાબ હવામાનમાં ઓપરેશન માટે યોગ્ય ન હતું. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇબ્રાહિમ રઇસી વિમાનમાં પોતાના જોખમે મુસાફરી કરી રહ્યા હતા. તો બીજી તરફ એવો સવાલ ઉઠી રહ્યો છે કે રઇસીના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર હતા, પરંતુ જે હેલિકોપ્ટરમાં ઈબ્રાહિમ રઇસી મુસાફરી કરી રહ્યા હતા તે જ કેમ ક્રેશ થયું? સમગ્ર વિશ્વમાં લોકો આ અંગે અલગ-અલગ થીયરી રજૂ કરી રહ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે રઇસીના હેલિકોપ્ટર પર લેસર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો.
રઇસી પર સામૂહિક ફાંસીનો આરોપ
પાકિસ્તાની પત્રકારે કહ્યું કે ઈબ્રાહિમ રઇસી પર ઘણા પ્રકારના આરોપો છે. ઈરાનમાં ખાસ કરીને લેફ્ટ અને રાઇટ વિંગ છે. રઇસી પર 5 હજાર લોકોને એકસાથે ફાંસી અપાવવાનો પણ આરોપ છે. આવી સ્થિતિમાં, રઇસીના મૃત્યુ પાછળ લેફ્ટ વિંગનો પણ હાથ હોઈ શકે છે, કારણ કે રઇસી સત્તામાં આવ્યા પછી દેશમાં રાઇટ વિંગ ખૂબ જ મજબૂત સ્થિતિમાં હતી. રઇસીને ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખમેનીના પણ ખૂબ નજીક માનવામાં આવતા હતા.