યુક્રેને રશિયા પર કર્યો ઘાતક હુમલો, રાજધાની મૉસ્કો પર છોડ્યા 34 ડ્રોન
Russia-Ukraine War: યુક્રેને રશિયા પર મોટો હુમલો કર્યો છે. યુક્રેને 30થી વધુ મિસાઇલ છોડી છે, જેમાં અનેક લોકો ઘાયલ થયાની જાણકારી સામે આવી છે. હુમલાના કારણે અનેક ફ્લાઇટ્સ પણ ડાયવર્ટ કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ, યુક્રેન મૉસ્કો પર ઓછામાં ઓછા 34 ડ્રોનથી હુમલો કર્યો છે, જે 2022માં યુદ્ધની શરૂઆત પછીનો મૉસ્કો પર સૌથી મોટો ડ્રોન હુમલો છે. હુમલાના કારણે શહેરના ત્રણ મુખ્ય એરપોર્ટ પર ફ્લાઇટને ડાયવર્ટ કરવી પડી છે.
રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, રશિયાની વાયુ સેનાએ રવિવારે ત્રણ કલાકમાં પશ્ચિમ રશિયાના અન્ય ક્ષેત્રોમાં 36 ડ્રોન તોડી પાડ્યા હતા. ડ્રોનનો ઉપયોગ કરીને હુમલાને અંજામ આપવાના કીવ સરકારની કોશિશ નિષ્ફળ બનાવી હતી. રશિયાની ફેડરલ એર ટ્રાન્સપોર્ટ એજન્સીએ જણાવ્યું કે, ડોમોદેવો, શેરેમેટેવો અને ઝુકોવસ્કીના એરપોર્ટ પર ઓછામાં ઓછી 36 ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી છે.
આ પણ વાંચો: યુક્રેને રશિયા પર કર્યો હુમલો, હથિયારના કારખાનાને બનાવ્યું નિશાન
યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ કહ્યું, રશિયાએ યુક્રેન પર એક રાતમાં 145 ડ્રોન લૉન્ચ કર્યા હતા. તેમની હવાઇ સુરક્ષાએ 62 ડ્રોન તોડી પાડ્યા હતા. તેમજ બ્રાંસ્ક વિસ્તારમાં એક હથિયારની ફેક્ટરી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં 14 ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા.
કેટલાક અધિકારીઓનું કહેવું છે કે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ મૉસ્કોની સેના યુદ્ધના શરૂઆતના દિવસો બાદ હવે ઝડપથી આગળ વધી રહી છે. યુક્રેન-રશિયા યુદ્ધને અઢી વર્ષ જેટલો સમય થવા આવ્યો છે.
આ પણ વાંચો: શું રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ જશે? ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર થયા પુતિન
ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમા અમેરિકાના 47માં રષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળશે. તેમણે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, તેઓ 24 કલાકમાં યુક્રેનમાં શાંતિ સ્થાપી શકે છે. પરંતુ તેમણે આ અંગે કેવી રીતે કામ કરશે તેની કોઈ સ્પષ્ટતા કરી નહોતી. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ટ્રમ્પને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત પર અભિનંદન આપવા ફોન કર્યો ત્યારે ટેસ્લાના સીઈઓ અને ટ્રમ્પ સમર્થક મસ્ક પણ કૉલમાં જોડાયા હતા.