શાંતિ સ્થપવા યુક્રેને પહેલ કરી; ઝેલેન્સકીએ રશિયાને વાટાઘાટો માટે પ્રસ્તાવ મોકલ્યો

કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે સાડા ત્રણ વર્ષ પહેલા શરુ થયેલા યુદ્ધ(Russia-Ukraine war)ને કારણે બંને પક્ષે હજારો લોકોના મોત થયા છે અને વૈશ્વિક અર્થતંત્રને પણ માઠી અસર પહોંચી છે. આ યુદ્ધ રોકવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, યુએસ દ્વારા અગાઉ કરવામાં આવેલા મધ્યસ્થીના પ્રયસો નિષ્ફળ ગયા છે. એવામાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી(Volodymyr Zelenskyy)એ યુદ્ધ વિરામ પર વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજવા રશિયાને પ્રસ્તાવ મોકલ્યો છે. શનિવારે એક નિવેદનમાં ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે તેઓ યુદ્ધવિરામ માટે વાટાઘાટોને ઝડપી બનાવવા ઈચ્છે છે.
નોંધનીય છે કે છેલ્લા પાંચ મહિનામાં યુક્રેન અને રશિયા વચ્ચે તુર્કીના ઇસ્તંબુલમાં બે રાઉન્ડની વાટાઘાટો થઇ ચુકી છે, જેમાં બંને દેશો યુદ્ધ કેદીઓને છોડવા સંમત થયા હતાં, યુદ્ધ વિરામ અંગે સહમતી સધાઈ શકી ન હતી.
શનિવારે સાંજે રાષ્ટ્રને નામ એક સંબોધનમાં ઝેલેન્સકીએ જણાવ્યું કે ઇસ્તંબુલમાં થયેલી બંને વાટાઘાટોમાં યુક્રેનના પ્રતિનિધિમંડળની આગેવાની કરનારા રુસ્ટેમ ઉમેરોવે રશિયાએ આવતા અઠવાડિયે બેઠક યોજવાનો પ્રસ્તાવ મોકલ્યો છે, જો કે ઝેલેન્સકીએ આ પ્રસ્તાવની વધુ વિગતો જાહેર કરી ન હતી.
ઝેલેન્સકીએ શું કહ્યું?
એક નિવેદનમાં ઝેલેન્સકીએ કહ્યું “યુદ્ધવિરામ કરવા માટે બનતા તમામ પ્રયત્નો કરવા જોઈએ, રશિયન પક્ષે નિર્ણય લેવાથી ભાગવું ન જોઈએ”
યુક્રેનને શસ્ત્રોની સપ્લાય રોક્યા બાદ તાજેતરમાં યુએસ મિસાઈલો આપવા તૈયાર થયું હતું. ઝેલેન્સકીએ યુએસ સાથે થયેલા સંરક્ષણ કરારોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “અમે યુએસ સાથે પણ કામ કરી રહ્યા છીએ. યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે થયેલા કરારો શક્ય તેટલી વહેલી તકે અમલમાં મૂકવામાં આવશે. યુક્રેન ઉત્પાદકતા વધારવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં એર ડિફેન્સ અને નવો શસ્ત્ર કરાર શામેલ છે.”
રશિયાનું વલણ શું રહેશે?
નોંધનીય છે કે રશિયાએ છેલ્લા કેટલાક દિવસોથી યુક્રેન પર હવાઈ હુમલાઓ વધુ સઘન બનાવ્યા છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી હતી કે જો 50 દિવસમાં યુદ્ધ વિરામ નહીં થાય તો, રશિયા પર કડક પ્રતિબંધો લાદવામાં આવશે.
હવે યુક્રેને રશિયાને વાચચીત માટે પ્રસ્તાવ મોકલ્યો છે, આ પ્રસ્તાવ અંગે રશિયાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ આગામી અઠવાડિયું ખુબ જ મહત્વનું રહેશે.
આ પણ વાંચો…Russia-Ukraine War: સાઉદી અરેબિયામાં અમેરિકા અને રશિયા વચ્ચે વાટાઘાટો શરૂ