અમેરિકાના શાંતિ પ્રસ્તાવની શરતોથી યુક્રેન લાલઘૂમ, ‘વાહિયાત’ ડીલ પર ટ્રમ્પ સાથે કરશે ચર્ચા!

કીવ: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલા યુદ્ધ પર પૂર્ણવિરામ લગાવવાના પ્રયત્નોમાં તાજેતરમાં જ જગત જમાદાર અમેરિકાએ શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે. જો કે યુદ્ધના ઉકેલને બદલે આ પ્રસ્તાવના કારણે જ ધમાસાણ મચી ગયું છે. યુક્રેનના અધિકારીઓએ આ પ્રસ્તાવને વાહિયાત ગણાવીને નકારી કાઢ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ખાતરી આપી છે કે તેઓ આગામી દિવસોમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આ પ્રસ્તાવ પર ચર્ચા કરી શકે છે, પરંતુ યુક્રેન માટે આ કરારની શરતોને મંજૂરી આપવી લગભગ અશક્ય છે.
શાંતિ પ્રસ્તાવની શરતો અને વિવાદનું કારણ
મીડિયા અહેવાલો અનુસાર, આ ૨૮ મુદ્દાનો પ્રસ્તાવ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના સહયોગી કિરિલ દિમિત્રીવ અને ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં યુક્રેનને ચર્ચામાં સામેલ કરાયું ન હતું. પ્રસ્તાવની મુખ્ય શરતો વિશે વાત કરવામાં આવે તો યુક્રેનને તેની સેનાની ક્ષમતા અડધી કરવી પડશે અને અનેક મહત્ત્વના હથિયારોનો ત્યાગ કરવો પડશે. પશ્ચિમી દેશો તરફથી મળતી લાંબા અંતરની મિસાઇલો બંધ કરવી પડશે. યુક્રેનની ધરતી પર કોઈપણ વિદેશી સૈનિકની હાજરી ન હોવી જોઈએ. તેમજ અમેરિકા અને અન્ય દેશો ક્રીમિયા અને ડોનબાસને કાયદેસર રીતે રશિયાના ભાગ તરીકે માન્યતા આપી શકે છે, જોકે યુક્રેન પર આમ કરવા માટે દબાણ નહીં હોય.
યુક્રેનની વિદેશ નીતિ સંસદીય સમિતિના અધ્યક્ષ ઓલેક્સાંદ્ર મેરેઝ્કોએ જણાવ્યું કે, એવા કોઈ સંકેતો નથી કે રશિયા ગંભીર વાતચીત માટે તૈયાર છે. પુતિન ફક્ત સમય બચાવવા અને અમેરિકન પ્રતિબંધોથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુક્રેનના નાયબ વિદેશ પ્રધાન સર્ગેઈ કિસ્લિત્સ્યાએ પણ આ પ્રસ્તાવને “ભ્રમ ફેલાવવાના હેતુથી તૈયાર કરાયેલો” ગણાવીને સંપૂર્ણપણે અયોગ્ય ગણાવ્યો છે.
આ તમામ પારિસ્થિતિની વચ્ચે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકન અધિકારી સાથેની વાતચીત બાદ કહ્યું હતું કે તેઓ યુદ્ધ સમાપ્ત કરવાના પ્રસ્તાવ પર અમેરિકા સાથે કામ કરવા તૈયાર છે અને આગામી દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચર્ચા કરવાની આશા વ્યક્ત કરી છે. ઝેલેન્સકીએ ટેલિગ્રામ પર લખ્યું, “અમારી ટીમો યુદ્ધ સમાપ્ત કરવાના પ્લાન પર કામ કરશે. અમે પ્રયાસ કરવા માટે તૈયાર છીએ.”
આ પણ વાંચો…રશિયાએ યુક્રેન પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો, 16 લોકોના મોત…



