યુક્રેને રશિયાના 100 અબજ ડોલરના ક્રુડ-ગેસ ભંડાર ફૂંકી માર્યા | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

યુક્રેને રશિયાના 100 અબજ ડોલરના ક્રુડ-ગેસ ભંડાર ફૂંકી માર્યા

કિવ/મોસ્કો: યુક્રેન સતત રશિયાની દુખતી નસ પર વાર કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ રશિયા સામે મોરચો ખોલી નાખ્યો હતો. યુક્રેનના હુમલામાં રશિયાને લગભગ 100 અબજ ડોલરની ખોટ ભોગવવાનો વારો આવ્યો છે. યુક્રેને તેના લાંબા અંતરના ડ્રોનના હુમલાઓથી રશિયાના ક્રૂડ અને ગેસના ભંડારોને નિશાન બનાવવાની શરૂઆત કરી દીધી છે. સૈન્ય નિષ્ણાત ફિલિપ ઇન્ગ્રેમે એક અહેવાલમાં જણાવ્યું હતું કે યુક્રેનની રણનીતિ રશિયાની જીવાદોરી પર જ હુમલો કરીને તેને આર્થિક ફટકો આપવાનું છે.

યુક્રેનમાં યુદ્ધ શરૂ થતાં પહેલાં, રશિયાના કુલ બજેટનો ૪૦ ટકા હિસ્સો ઊર્જાની નિકાસ, એટલે કે તેલ અને ગેસ વેચીને આવતો હતો. હજી પણ રશિયાના બજેટનો ૩૦ ટકા હિસ્સો ઊર્જાની નિકાસમાંથી જ આવે છે. આથી જ યુક્રેન રશિયાના એનર્જી પ્લાન્ટ્સ પર સતત હુમલાઓ કરી રહ્યું છે. યુક્રેનનો ઉદ્દેશ્ય રશિયાના એનર્જી પ્લાન્ટ્સનો નાશ કરીને તેની યુદ્ધ મશીનરીને તોડવાનો છે. આ સાથે, તેઓએ લખ્યું છે કે યુક્રેન રશિયાની જનતાને સંદેશ આપવા માંગે છે કે તેનો પ્રયાસ તેમના રોજિંદા જીવનને પ્રભાવિત કરવાનો છે. રશિયાના ઊર્જા સંયંત્રો પર સતત થઈ રહેલા હુમલાઓને કારણે માત્ર બળતણ (ઈંધણ)ની કિંમતોમાં વધારો થવા લાગ્યો છે એટલું જ નહીં, પરંતુ રશિયાના ઘણા વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો પણ જોવા મળી રહી છે.

ફિલિપ ઇન્ગ્રામના મતે, યુક્રેનના “1000 કિલોમીટર કે તેથી વધુ દૂર સુધી ઉડાન ભરનારા લાંબા અંતરના ડ્રોન, રશિયાના વિશાળ તેલ અને ગેસ સામ્રાજ્યને નર્કમાં બદલી રહ્યા છે. તેમણે આગળ કહ્યું હતું કે છેલ્લા લગભગ ત્રણ વર્ષથી રશિયાના લોકો ટીવી પર બેસીને યુદ્ધ જોઈ રહ્યા છે અને તેમના જીવન પર કોઈ અસર થઈ નથી, આથી જ ઝેલેન્સ્કી હવે તેમના રોજિંદા જીવન પર અસર કરવા માંગે છે, જેથી રશિયનોને યુદ્ધની અસરનો અહેસાસ થાય. તેમણે કહ્યું કે, “હવે, જ્યારે ડ્રોન તેમના દેશની અંદર સુધી હુમલો કરી રહ્યા છે અને પેટ્રોલ પંપ પર બળતણની કિંમતો વધવાના સમાચારો આવી રહ્યા છે, ત્યારે આ સંઘર્ષ સામાન્ય નાગરિકો માટે એક ઠોસ વાસ્તવિકતા બની રહ્યો છે.

ફિલિપ ઇન્ગ્રામનું કહેવું છે કે યુક્રેન આકાશી યુદ્ધ લડી રહ્યું છે અને એનર્જી પ્લાન્ટ્સ પર હુમલો તેનું સૌથી સચોટ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે એનર્જી પ્લાન્ટ્સ પર હુમલો કરવા માટે ટેન્કોનો ઉપયોગ થઈ રહ્યો નથી, પરંતુ ડ્રોન હુમલા થઈ રહ્યા છે. ખાસ કરીને યુક્રેન, તેલના વિશાળકાય સ્ટોરેજ (ભંડાર) પર હુમલો નથી કરી રહ્યું, પરંતુ ખૂબ જ મુશ્કેલ અને મોંઘા પ્રોસેસિંગ યુનિટ્સ પર હુમલા કરી રહ્યું છે. આ એ જ યુનિટ્સ છે જે તેલને કાચા માલમાંથી તૈયાર ઉત્પાદનમાં બદલે છે. તેમની મરામત કરવી અત્યંત મુશ્કેલ છે, કારણ કે તેના માટે પશ્ચિમી ટેકનોલોજી અને સ્પેરપાર્ટ્સની જરૂર પડે છે, જે રશિયા પશ્ચિમી પ્રતિબંધોને કારણે સરળતાથી મેળવી શકતું નથી.

આ પણ વાંચો…રશિયાનો યુક્રેન પર મોટો હુમલો: 595 ડ્રોન અને 48 મિસાઈલથી એટેક કરતા યુક્રેનમાં એલર્ટ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button