ઇન્ટરનેશનલ

યુકેને મળશે પહેલા મુસ્લિમ વડાપ્રધાન? જાણો કોણ છે શબાના મહમૂદ

લંડન: યુકેના રાજકારણમાં મોટા ફેરફાર આવી શકે છે. વડા પ્રધાન કીર સ્ટાર્મર દ્વારા યુએસમાં બ્રિટિશ રાજદૂત પીટર મેન્ડેલસનની નિમણૂક અને બાદમાં તેમને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવતા વિવાદ સર્જાયો છે, જેના કારણે તેમના પર રાજીનામું આપવા માટે દબાણ વધી રહ્યું છે.

મેન્ડેલસન જેફરી એપસ્ટેઇનના નજીકના સહયોગી હોવાની વાત જાહેર થયા બાદ તેની નિમણુક કરવામાં આવી હતી. વડાપ્રધાન સ્ટાર્મર પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે, લેબર પાર્ટીના ઘણા સાંસદોએ વડાપ્રધાનના રાજીનામાની માંગ કરી છે.

મેન્ડેલસનની નિમણૂક મામલે વિવાદ થયા બાદ સ્ટાર્મરના ચીફ ઓફ સ્ટાફ અને નજીકના સહાયક મોર્ગન મેકસ્વીનીએ રાજીનામુ આપ્યું છે. સ્ટાર્મરના કમ્યુનિકેશન ચીફ ટિમ એલન પણ રરાજીનામું આપી ચુક્યા છે. કીર સ્ટાર્મરના રાજીનામાની અટકળો સાથે તેમના ઉત્તરાધિકારી કોણ હશે એ અંગે પણ ચર્ચા થઇ રહી છે, સૌથી વધુ ચર્ચા ગૃહ સચિવ શબાના મહમૂદના નામ પર કરવામાં આવી રહી છે.

જો શબાના મહમૂદને યુકેનું વડાપ્રધાન પદ મળે તો તેઓ યુકે પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન બનશે, તેઓ પાકિસ્તાની મૂળના છે.
કોણ છે શબાના મહમૂદ?

શબાના મહમૂદનો જન્મ 17 સપ્ટેમ્બર 1980 ના રોજ ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં થયો હતો, તેના માતા-પિતા પાકિસ્તાન ઓક્યુંપાઈડ કાશ્મીર (PoK) થી અહીં આવ્યા હતાં. શબાના મહમૂદ તેમના જીવનના પહેલા પાંચ વર્ષ સાઉદી અરેબિયામાં પરિવાર સાથે રહ્યા હતાં.

શબાના મહમૂદે સ્મોલ હીથ સ્કૂલ અને કિંગ એડવર્ડ કેમ્પ હિલ સ્કૂલ ફોર ગર્લ્સમાં અભ્યાસ કર્યો હતો, ત્યાર બાદ ઓક્સફર્ડની લિંકન કોલેજમાં કાયદાનો અભ્યાસ 2002માં પૂર્ણ કર્યો. ત્યારબાદ તેમણે 2003 માં ઇન્સ ઓફ કોર્ટ સ્કૂલ ઓફ લો ખાતે બાર વોકેશનલ કોર્સ પૂર્ણ કર્યો અને બેરિસ્ટર બન્યા. ત્યારબાદ તેમણે 12 કિંગ્સ બેન્ચ વોક અને બેરીમેન્સ લેસ માવરમાં બેરિસ્ટર તરીકે કામ કર્યું.

વર્ષ 2010 માં તેઓ બર્મિંગહામ લેડીવુડથી સંસદ સભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા. વર્ષ 2010 થી 2015 સુધી સરકારમાં પ્રધાન રહ્યા, 2015 ના જેરેમી કોર્બિન લેબર પાર્ટીના વડા બન્યા, ત્યારે શબાના મહમૂદે તેમની નીતિઓ સાથે અસંમતીને કારણે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું અને ફક્ત સાંસદ તરીકે કામ કર્યું.

યુકેમાં 2024 ની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીની જીત બાદ, તેઓ જસ્ટિસ સેક્રેટરી અને લોર્ડ ચાન્સેલર બન્યા. 2025 માં ભૂતપૂર્વ ગૃહ સચિવ એન્જેલા રેનરે રાજીનામાં બાદ તેમને ગૃહ સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button