UKએ રશિયાની પેટ્રોલિયમ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો, ભારત પર બાણ વધ્યું

લંડન: યુક્રેન પર હુમલા રોકવા માટે રશિયા પર યુએસ અને યુરોપના દેશો વિવિધ રીતે દબાણ વધારી રહ્યા છે, રશિયા પર ઘણા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. એવામાં યુનાઇટેડ કિંગડમ(UK)એ મોટી જાહેરાત કરી છે. યુકેએ રશિયાની સૌથી મોટી બે પેટ્રોલિયમ કંપની લુકોઇલ અને રોઝનેફ્ટ તથા 44 શેડો ફ્લીટ ટેન્કરો પર પ્રતિબંધો લગાવ્યા છે. આ સાથે યુકેએ ભારત અને ચીન સહિત અન્ય કેટલાક દેશોની કંપનીઓ પર રશિયાનું પેટ્રોલિયમ ન ખરીદવા દબાણ કર્યું છે.
યુકે એ જણાવ્યું કે લ્યુકોઇલ અને રોઝનેફ્ટ રશિયન સરકારને ટેકો આપી રહી છે, જેના બદલ બંને કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. યુકે એ જણાવ્યું કે આ બંને કંપનીઓના નફાના નાણાનો ઉપયોગ રશિયન સરકાર યુક્રેન સામેના યુદ્ધ માટે કરે છે.
બ્રિટન રશિયન કંપનીઓની સંપત્તિ ફ્રીઝ કરવી, ડિરેક્ટર ડીસક્વોલિફિકેશન, ટ્રાન્સપોર્ટેશન પ્રતિબંધો અને બ્રિટિશ ટ્રસ્ટ સર્વિસ પર પ્રતિબંધ લગાવી શકે છે.
ભારત પર દબાણ વધ્યું:
બ્રિટિશ નાણાપ્રધાન રશેલ રીવ્સે ભારત અને ચીનનો ઉલ્લેખ કરીને કહ્યું કે વૈશ્વિક બજારોમાં રશિયન પેટ્રોલિયમ વેચાણ અને ખરીદી કરતી ત્રીજા દેશોની કંપનીઓ પર પણ દબાણ વધારવામાં આવશે.
નોંધનીય છે કે યુએસના રાષ્ટ્રપતિ પહેલાથી જ ભારત પર દબાણ કરી રહ્યા છે કે તે રશિયા પાસેથી પેટ્રોલિયમ ન ખરીદે. તાજેતરમાં જ ટ્રમ્પે દાવો કર્યો કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને બાહેધારી આપી છે કે ભારત રશિયા પાસેથી પેટ્રોલીયમ ખરીદવાનું બંધ કરશે. જોકે ભારતે હજુ સુધી આ દાવા અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી
એવામાં યુકે દ્વારા કરવામાં આવેલી જાહેરાત મહત્વની બની જાય છે, ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવાનું ચાલુ રાખશે તો યુકે પણ ભારત પર પ્રતિબંધ લગાવી શકે છે.