યુરો-2024માં ઇંગ્લૅન્ડનો પેનલ્ટી શૂટઆઉટમાં સ્વિટઝરલૅન્ડને 5-3થી હરાવી સેમિમાં પ્રવેશ
ડસેલડર્ફ: જર્મનીમાં ચાલી રહેલી યુરોપિયન ફૂટબોલની સૌથી મોટી સ્પર્ધા યુઇફા યુરો-2024માં શનિવારે ત્રીજી દિલધડક કવોર્ટર ફાઈનલમાં ઇંગ્લૅન્ડ અને સ્વિટઝરલૅન્ડે એકમેકને જોરદાર લડત આપી હતી. છેવટે ઇંગ્લૅન્ડે વિજય મેળવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
બ્રીલ એમ્બોલોએ 75મી મિનિટમાં ગોલ કરીને સ્વિસ ટીમને 1-0થી સરસાઈ અપાવી ત્યાર બાદ 80મી મિનિટમાં બુકાયો સાકાએ ઇંગ્લૅન્ડને 1-1ની બરાબરીમાં લાવી દીધું હતું.
મુખ્ય મૅચમાં પોણા ભાગના સમય સુધી બંને ટીમ 0-0ની બરાબરીમાં હતી, પરંતુ પાંચ મિનિટમાં બાજી ફરી ગઈ હતી અને બેઉ ટીમ 1-1થી સમકક્ષ થઈ ગઈ હતી.
રેગ્યુલશન ટાઈમ અને એક્સ્ટ્રા ટાઈમમાં બન્ને ટીમ 1-1ની બરાબરીમાં જ રહેતા પેનલ્ટી શૂટઆઉટ રાખવામાં આવ્યું હતું.
પેનલ્ટીમાં ઇંગ્લૅન્ડે 5-3થી જીત મેળવીને સેમિમાં એન્ટ્રી કરી હતી અને સ્વિટઝરલૅન્ડની ટીમ બહાર થઈ ગઈ હતી.
પેનલ્ટીમાં બ્રિટિશ ગોલકીપર જોર્ડન પિકફર્ડે સ્વિસ ખેલાડી મેન્યૂલ અકાન્યીની કિકમાં બૉલ રોકી દીધો હતો અને ઇંગ્લૅન્ડનું સેમિમાં સ્થાન નક્કી થઈ ગયું હતું.