યુરો-2024માં ટર્કીને હરાવી નેધરલૅન્ડ્સ 20 વર્ષે ફરી સેમિ ફાઈનલમાં
બર્લિન: જર્મનીની યુઇફા યુરો-2024 ફૂટબૉલ સ્પર્ધામાં શનિવારે ચોથા અને છેલ્લા કવોર્ટર ફાઈનલ થ્રિલરમાં નેધરલૅન્ડ્સે ટર્કીને 2-1થી હરાવીને 20 વર્ષ પછી ફરી એક વાર સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
નેધરલેન્ડ્સ 1988માં આ સ્પર્ધા જીત્યું હતું 2004માં આ દેશની ટીમ સેમિ ફાઇનલમાં હારી ગઈ હતી.
શનિવારે કવોર્ટરમાં અકાયદીને (Akaydin) 35મી મિનિટમાં ગોલ કરીને ટર્કીને 1-0થી સરસાઈ અપાવી ત્યાર બાદ છેક 70મી મિનિટમાં દ વ્રીજે (De Vrij) પણ ગોલ કરીને નેધરલૅન્ડ્સને 1-1ની બરાબરીમાં લાવી દીધું હતું.
આ મૅચમાં બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે જોરદાર રસાકસી થઈ હતી. બેઉ ટીમના ફોરવર્ડ્સ અને ડિફેન્ડર્સે એકબીજાથી ચડિયાતા પુરવાર થવા કોઈ કસર બાકી નહોતી રાખી.
બરાબરીના જંગ જેવો આ મુકાબલો નક્કીપણે એક્સ્ટ્રા ટાઈમમાં જવાનો જ હતો, પરંતુ 76મી મિનિટમાં નેધરલેન્ડ્સના ખેલાડી કૉડી ગૅકપોના જોરદાર પ્રેશરને કારણે ટર્કીના મર્ટ મુલ્દૂર (Mert Muldur)થી ઑન ગોલ થઈ જતાં નેધરલૅન્ડસને એ ગોલનો અણધાર્યો લાભ થઈ ગયો હતો અને છેવટે નેધરલૅન્ડ્સે 2-1થી જીતીને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.
90મી મિનિટમાં ટર્કીના બર્ટગને રેડ કાર્ડ બતાવાતા ટર્કીની ટીમ 11માંથી 10 ખેલાડીવાળી થઈ ગઈ હતી અને છેવટે હારી ગઈ હતી.