ઇન્ટરનેશનલ

UAE ગોલ્ડન વિઝા: ₹ 23 લાખમાં આજીવન વિઝાની વાત અફવા, જાણો શું છે હકીકત

અબુ ધાબી: ભારતના મોટા ભાગના નાગરિકો પરદેશમાં સ્થાયી થવાનું સપનું સેવતા હોય છે. વિઝા મેળવવા માટે લોકો શક્ય તેટલા બનતા પ્રયત્નો કરતા હોય છે, જેમાં યુનાઇટેડ અરબ અમિરાત(UAE)ના ગોલ્ડન વિઝા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ભારતના નાગરિકો માટે UAEના ગોલ્ડન વિઝા 23 લાખમાં મળે એવી વાત ફેલાઈ છે. પરંતુ આ વાત પાછળની હકીકત કંઈક જુદી છે.

માત્ર 5થી 10 વર્ષ માટે મળે છે ગોલ્ડન વિઝા

UAEના ફેડરલ ઓથોરિટી ફોર આઇડેન્ટિટી, સિટિઝનશિપ, કસ્ટમ્સ એન્ડ પોર્ટ સિક્યુરીટી (ICP) દ્વારા કેટલાક દેશોના નાગરિકોને મળતા આજીવન ગોલ્ડન વિઝાને લઈને વહેતી થયેલી અફવાઓને ફગાવી દીધી છે. ICPએ જણાવ્યું છે કે દરેક યુએઈ ગોલ્ડન વિઝાની અરજી વિશેષ રીતે દેશની સત્તાવાર ચેનલો દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આ સિવાય કોઈ પણ આંતરિક અથવા બાહ્ય એડવાઇઝરી બોડીને અરજી પ્રક્રિયામાં મંજૂર પાર્ટી માનવામાં આવતી નથી.

આ પણ વાંચો: ભારતીયોને સરળતાથી મળશે UAEના ગોલ્ડન વિઝા! જાણી લો નવા નિયમો

ગોલ્ડન રેસિડન્સની કેટેગરી એની શરતો અને કંટ્રોલ સંયુક્ત અરબ અમીરાતના કાયદાઓ અને આધિકારિક પ્રધાનસ્તરીય નિર્ણયો અનુસાર નક્કી કરવામાં આવે છે, જે લોકો જાણવા ઇચ્છે છે, તેઓ ICPની વેબસાઇટ અથવા સ્માર્ટ એપ્લિકેશન દ્વારા માહિતી મેળવી શકે છે. ગોલ્ડન વિઝા ICP દ્વારા આપવામાં આવતી સેવાઓ પૈકીની એક સેવા છે. જેની શરતોમાં ખરા ઉતરનાર વિદેશી નાગરિક પાંચથી દસ વર્ષના લાંબાગાળા માટે યુએઈમાં રહેલા માટે અરજી કરી શકે છે.

યુએઈના ગોલ્ડન વિઝાની અફવા

ICPના જણાવ્યાનુસાર ભારતીય નાગરિકોને 23 લાખ રૂપિયામાં ગોલ્ડન વિઝા આપવાના સમાચાર ભારતીય મીડિયા સંગઠનો અને કેટલીક યુએઈ આધારિત કંપનીઓ દ્વારા 7 જુલાઈના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેના માટે કાયદાકીય સમર્થન વગર અથવા યુએઈના કોઈ જવાબદાર અધિકારીની મંજૂરી લેવામાં આવી નહોતી.

આ પણ વાંચો: અમેરિકાના વિઝા માટે અરજી કરતા પહેલાં વાંચી લો આ સમાચાર…

યુએઈમાં સ્થાયી થયેલા રિયલ એસ્ટેટના સલાહકાર જસમીત એસ આનંદે જણાવ્યું કે, “છેલ્લા બે દિવસોમાં કેટલાક મીડિયા પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા ચેનલો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો કે UAEએ એઈડી 1,00,000ની કિંમતમાં આજીવન વિઝા આપવાનો કાર્યક્રમ રજૂ કર્યો છે. પરંતુ ખરેખર એવું કશું નથી. UAEના અધિકારીઓ અને ઇમિગ્રેશન વિભાગે સત્તાવાર રીતે સ્પષ્ટ કર્યું છે કે, આવા કોઈ પણ કોઈ વિઝા રજૂ કરવામાં આવ્યા નથી. આ સમાચાર કોઈ સરકારી એજન્સી દ્વારા આપવામાં આવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, યુએઈ પાસે પહેલાથી યોગ્ય માપદંડો સાથે ગોલ્ડન વિઝા અને ગ્રીન વિઝા જેવા લાંબાગાળાના વિઝા આપવામાં આવે છે. યુએઈ દ્વારા ચાર કેટેગરીમાં વિઝા આપવામાં આવે છે. જેમાં બિઝનેસ ઇન્વેસ્ટર, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર, એન્ટરપ્રેન્યોર તથા ડૉક્ટર, વૈજ્ઞાનિકો, ફ્રન્ટલાઈન હીરો, ખાસ પ્રતિભાવાન લોકો તથા માનવતાવાદી પ્રણેતાઓને વિઝા આપવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button