કેનેડાના મંત્રી મંડળમાં ભારતીય મૂળની બે મહિલાને મળ્યું સ્થાન, જાણો કોને સોંપી જવાબદારી?

ઓટાવા: કેનેડાના નવા વડા પ્રધાન માર્ક કાર્નીના મંત્રી મંડળમાં ભારતીય મૂળના અનિતા આનંદ અને દિલ્હીમાં જન્મેલા કમલ ખેડાને સ્થાન આપવામાં આવ્યું છે. શુક્રવારે કેનેડાના નવા વડા પ્રધાન તરીકે ભૂતપૂર્વ સેન્ટ્રલ બેંકનાં ગવર્નર માર્ક કાર્નીએ શપથ લીધા હતા. 59 વર્ષીય કાર્નીએ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનું સ્થાન લીધું છે. ટ્રુડોએ જાન્યુઆરીમાં રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જો કે નવા નેતા પીએમ પદ સંભાળે ત્યાં સુધી ટ્રુડોએ સત્તાની દોર સંભાળી હતી.
ભારતીય મૂળની મહિલાઓ માટે મહત્વપૂર્ણ મંત્રાલય
નવા મંત્રી મંડળમાં અનિતા આનંદને નવીનતા, વિજ્ઞાન અને ઉદ્યોગ પ્રધાન બનાવવામાં આવ્યા છે. ત્યારે કમલ ખેડાને આરોગ્ય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. અનિતા અને કમલ બંને જસ્ટિન ટ્રુડોની સરકારમાં પ્રધાન પણ હતા. જ્યારે કાર્નીએ પણ આ બંનેને પોતાનાં મંત્રી મંડળમાં સ્થાન આપ્યું છે.
દિલ્હીમાં જન્મેલા છે કમલ ખેડા
કમલ ખેડાનો જન્મ ભારતની રાજધાની દિલ્હીમાં થયો હતો અને તેમના શાળાનાં દિવસોમાં જ તેમનો પરિવાર કેનેડા શિફ્ટ થઈ ગયો હતો. ટોરોન્ટોમાં યોર્ક યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને 2015 માં બ્રેમ્પટન વેસ્ટથી પ્રથમ વખત તેઓ સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. મંત્રી પદ સંભાળ્યા બાદ તેમણે કહ્યું કે એક નર્સ તરીકે મારી સૌથી પહેલી પ્રાથમિકતા હંમેશા મારા દર્દીઓને સાજા કરવાની હોય હું આરોગ્ય મંત્રી તરીકે પણ આ વિચાર સાથે કામ કરીશ.
આ પણ વાંચો…નોર્થ મેસેડોનિયાના નાઈટક્લબમાં આગ લાગતા 51 લોકોના મોત, 100થી વધુ ઘાયલ
PM પદની રેસમાંથી બહાર થયા બાદ મળ્યું મંત્રી પદ
પૂર્વ વડા પ્રધાન તરીકે ટ્રુડોનાં રાજીનામાં બાદ અનીતા આનંદ આ પીએમ પદની રેસમાં હતા. તેમણે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે તેઓ આ રેસમાંથી બહાર થઈ રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં કહ્યું કે, “માર્ક કાર્નીની સરકારમાં નવીનતા, વિજ્ઞાન અને આર્થિક વિકાસ મંત્રી તરીકે શપથ લેવાનો મને ગર્વ છે.” કેનેડાના વડા પ્રધાનની વેબસાઇટ અનુસાર, અનીતા આનંદ 2019માં ઓકવિલેથી પ્રથમ વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા અને અગાઉ ટ્રેઝરી બોર્ડના પ્રમુખ, રાષ્ટ્રીય સંરક્ષણ પ્રધાન અને જાહેર સેવાઓ અને પ્રાપ્તિ પ્રધાન તરીકે સેવા આપી હતી.