દક્ષિણ ચીન સમુદ્રમાં અમેરિકાના બે એરક્રાફ્ટ ક્રેશ, તપાસ શરુ

નવી દિલ્હી : દક્ષિણ ચીન સમુદ્રમાં રવિવારે બે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અમેરિકન નેવીનું એક હેલીકોપ્ટર અને એક ફાઈટર જેટ અલગ અલગ ઘટનામાં ક્રેશ થયા હતા. આ દુર્ઘટનામાં પાયલોટ અને ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા હતા. જયારે યુએસ નેવીની પેસિફિક ફલીટ દ્વારા બંને દુર્ઘટનાની તપાસ શરુ કરવામાં આવી છે.
ક્રૂના ત્રણેય સભ્યોને બચાવી લેવામાં આવ્યા
અમેરિકન નેવીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, રવિવારે બપોરે નૌકાદળના વિમાન વાહક જહાજ યુએસએસ નિમિત્ઝથી નિયમિત મિશન પર નીકળેલું MH-60R સીહોક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માત સ્થાનિક સમય મુજબ બપોરે 2:45 વાગ્યે થયો હતો. જયારે બચાવ કામગીરી દરમિયાન ક્રૂના ત્રણેય સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા. આ હેલિકોપ્ટર મેરીટાઇમ સ્ટ્રાઈક સ્ક્વોડ્રનની બેટલ કેટ્સ ટીમ દ્વારા સંચાલિત હતું.
સુપર હોર્નેટ ફાઇટર જેટ પણ ક્રેશ થયું
જયારે બીજી દુર્ઘટના અડધા કલાક બાદ બપોરે 3:15 વાગ્યે, યુએસએસ નિમિત્ઝ પરથી ઉડાન ભરતું F/A-18F સુપર હોર્નેટ ફાઇટર જેટ પણ ક્રેશ થયું. જે તેની નિયમિત ઉડાન હતી. આ અહેવાલ મુજબ તે સ્ટ્રાઇક ફાઇટર સ્ક્વોડ્રનની ફાઇટીંગ રેડહોક્સ ટીમ સાથે હતું. પાયલોટ સફળતાપૂર્વક બહાર નીકળ્યો અને તેને બચાવી લેવામાં આવ્યો.
ચીન દક્ષિણ ચીન સમુદ્ર પર પોતાનો દાવો કરે છે
ઉલ્લેખનીય છે કે, ચીન દક્ષિણ ચીન સમુદ્રના મોટા ભાગ પર પોતાનો દાવો કરે છે. આ સમુદ્ર પર તેનો પૂર્વ એશિયાના ઘણા દેશો સાથે સંઘર્ષ રહ્યો છે. જેમાં સૌથી તાજેતરનો વિવાદ ફિલિપાઇન્સ સાથેનો છે. જેના જહાજો નાગરિકથી લઈને લશ્કર સુધી ચીન દ્વારા હાલમાં નિશાન બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો…અમેરિકામાં હેલોવીન પાર્ટીમાં ગોળીબાર, બેના મોત 11 લોકો ઘાયલ



