અમેરિકાના કેન્સાસમાં ગોળીબારમાં બેના મોત, ૮ બાળક સહિત ૨૨ ઘાયલ

કેન્સાસ સિટીઃ અમેરિકાના કેન્સાસ શહેરમાં ગોળીબારની ઘટનામાં બે લોકોના મોત થયા છે. આ ઘટનામાં આઠ બાળકો સહિત ૨૨ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ગોળીબારની આ ઘટના સ્પોટર્સ ઇવેન્ટ સિટી ચીફ્સ સુપર બાઉલ દરમિયાન બની હતી.
કેન્સાસ સિટી પોલીસ ચીફ સ્ટેસી ગ્રેવ્સે જણાવ્યું હતું કે આ ઘટનાના સંબંધમાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે તેમને માહિતી મળી છે કે કાર્યક્રમમાં સામેલ કેટલાક લોકોએ શંકાસ્પદની ધરપકડ કરવામાં મદદ કરી હતી.
ગ્રેવ્સે કહ્યું કે આજે જે પણ થયું તેનાથી હું દુખી છું. આ ઉજવણીમાં આવેલા લોકોને સલામત વાતાવરણની અપેક્ષા હતી. જોકે પોલીસે ધરપકડ કરાયેલા લોકો વિશે તાત્કાલિક કોઇ માહિતી જાહેર કરી ન હતી.
ફાયરિંગ પાછળનો હેતું શું હતો એ પણ પોલીસે જણાવ્યું નથી. અગાઉ ગયા વર્ષે પણ ડેન્વર શહેરમાં એમબીએ ચેમ્પિયનશિપમાં ગોળીબાર થયો હતો. તેમાં પણ અનેક લોકો ઘાયલ થયા હતા.
આ ગોળીબાર બાદ ગભરાઇને ભાગતા લોકોની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા પણ ન્યૂયોર્કના સબવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ફાયરિંગ થયું હતું.