Video: પળભરમાં આખા શહેર પર ત્સુનામીના મોજા ફરી વળ્યા, રશિયાનો ભયાનક વિડીયો…

મોસ્કો: આજે બુધવારે વહેલી સવારે રશિયાના કામચટકા વિસ્તારની ધરતી 8.8 ની તીવ્રતા ભૂકંપથી ધ્રુજી ઉઠી (Earthquake on Kamchatka, Russia) હતી. ત્યાર બાદ રશિયા ઉપરાંત અમેરિકા, જાપાન, ચીન અને ન્યુઝીલેન્ડ ઉપરાંત અન્ય ઘણા ટાપુ દેશો પર ત્સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.
ત્સુનામીના મોજા રશિયાના સેવેરો-કુરિલ્સ્ક પર ફરી (Tsunami in Severo-Kurilsk) વળ્યા છે, જેની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. રશિયન એકેડેમી ઓફ સાયન્સના જીયો-ફિઝીકલ સર્વેએ સેવેરો-કુરિલ્સ્ક વિસ્તારનો ભયાનક ડ્રોન વિડીયો શેર કર્યો છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે ત્સુનામીના મોજા પળભરમાં શહેરમાં ઇમારતો પર ફરી વળે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અહીં વસતા લગભગ 2,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.વીભાગે એક નિવેદનમાં જણાવ્યું કે, “સુનામીના કારણે સેવેરો-કુરિલ્સ્ક બંદર શહેરનો કેટલોક ભાગ પાણીમાં ડૂબી ગયો છે… વસ્તીને ખાલી કરાવવામાં આવી છે,”
રશિયાના સરકારી મીડિયાના અહેવાલ મુજબ, કામચટકામાં આવેલા ભૂકંપથી ઘણા લોકો ઘાયલ થયા છે, પરંતુ કોઈ ગંભીર ઈજાના અહેવાલ નથી. કામચટકાના ગવર્નરે રહેવાસીઓને દરિયાકાંઠાની નજીક ન જવા વિનંતી કરી.
આજે બુધવારે આવેલો ભૂકંપ કામચાટકા ક્ષેત્રમાં વર્ષ 1952 પછીનો સૌથી વધુ તીવ્રતાનો ભૂકંપ છે. આ પ્રદેશમાં હજુ 7.5 ની તીવ્રતાના આફ્ટરશોક આવી શકે છે. ભૂકંપને પેસિફિક મહાસાગરમાં ચાર મીટર સુધીની સુનામીના મોજા ઉઠ્યા છે, જેની અસર અમેરિકા, જાપાન, ચીન અને ન્યુઝીલેન્ડ સુધી થઇ શકે છે.