ટ્રમ્પે હમાસને આપી દીધી છેલ્લી ચેતવણી! ગાઝા પર નિયત્રંણ નહીં છોડે તો થશે મહાવિનાશ…

ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને અટકાવવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો પ્રયાસ હાથ ધર્યો છે, પરંતુ તેની સાથે જ તેમણે હમાસને કડક ચેતવણી પણ આપી છે. હમાસને શાંતિ યોજના સ્વીકારવા અને ગાઝાની સત્તા છોડવા માટે રવિવારે સાંજે 6 વાગ્યા (ભારતીય સમય મુજબ સોમવારે સવારે 3:30) સુધીની ડેડલાઇન આપવામાં આવી છે. જો હમાસે આ શરતો ન માની, તો ટ્રમ્પે હમાસનો સંપૂર્ણ વિનાશ કરી દેવાની ધમકી આપી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને આખરી તક આપી છે કે તે તેમની 20-મુદ્દાની શાંતિ યોજના સ્વીકારે, ઇઝરાયલી બંધકોને મુક્ત કરે અને યુદ્ધ બંધ કરે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ યુદ્ધવિરામ યોજનાને સમર્થન આપ્યું છે. આ યોજનામાં યુદ્ધ તાત્કાલિક બંધ કરવા અને ગાઝાના ભવિષ્ય માટે વહીવટી વ્યવસ્થા સ્થાપવાનો રોડમેપ સામેલ કરવામાં આવ્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે હમાસે શાંતિનો માર્ગ પસંદ ન કર્યો તો ઇઝરાયલના પગલાંને અમેરિકાનું સંપૂર્ણ સમર્થન રહેશે.
ટ્રમ્પની શાંતિ યોજના હેઠળ એક અસ્થાયી શાંતિ બોર્ડની રચના કરવામાં આવશે, જેનું નેતૃત્વ ટ્રમ્પ ખુદ કરશે. આ બોર્ડમાં અન્ય આંતરરાષ્ટ્રીય નેતાઓનો પણ સમાવેશ થશે. યોજનાના મુખ્ય મુદ્દાઓમા હમાસ દ્વારા 48 કલાકમાં બંધકોની મુક્તિ, ઇઝરાયલની સેનાની ગાઝામાંથી ધીમે-ધીમે વાપસી, પેલેસ્ટાઇનના 2,000થી વધુ કેદીઓની મુક્તિ, હમાસ વિનાની નવી સરકારની રચના, અને અરબ તેમજ મુસ્લિમ દેશોના સૈનિકો સાથે નવી સુરક્ષા ફોર્સની સ્થાપના સામેલ કરવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત, હમાસે તમામ હથિયારો છોડવા અને સુરંગો નષ્ટ કરવનો આદેશ આપવામાં આવ્યો છે.
હમાસે શાંતિ યોજનાના કેટલાક ભાગો, જેમ કે યુદ્ધની સમાપ્તિ અને બંધકોની મુક્તિ જેવી શરતો સ્વીકારી છે, પરંતુ હથિયારો છોડવા જેવા મુદ્દાઓ પર વધુ વાટાઘાટોની માંગ કરી છે. આ માટે મિસરમાં હમાસ, ઇઝરાયલ અને અમેરિકી પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. 2023થી ચાલતા આ યુદ્ધમાં પેલેસ્ટાઇનના 66,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, અને હજુ 48 ઇઝરાયલી બંધકો હમાસની કેદમાં છે, જેમાંથી 20 જીવિત હોવાનું માનવામાં આવે છે. શાંતિ યોજના સ્વીકારવામાં આવશે કે નહીં, તે આગામી કલાકોમાં સ્પષ્ટ થશે.
આ પણ વાંચો…શાંતિ સમજૂતી પર પાણી ફેરવતું ઇઝરાયલ: ગાઝા હુમલામાં 70થી વધુ પેલેસ્ટિનિયનના મોત…