યુદ્ધવિરામ માટે ટ્રમ્પને આમંત્રણ આપી પાકિસ્તાને ભારત પર લગાવ્યો આક્ષેપ: ભારતે આપ્યો સણસણતો જવાબ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

યુદ્ધવિરામ માટે ટ્રમ્પને આમંત્રણ આપી પાકિસ્તાને ભારત પર લગાવ્યો આક્ષેપ: ભારતે આપ્યો સણસણતો જવાબ

ઇસ્લામાબાદ/ નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ યુદ્ધવિરામ કરાવવા માટે જાણીતા બની ગયા છે. સાત દિવસના યુદ્ધ બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 48 કલાકનું કામચલાઉ યુદ્ધવિરામ થયું છે. પરંતુ હવે આ કાયમી યુદ્ધવિરામ માટે ડૉનાલ્ડ ટ્રમ્પની એન્ટ્રી થાય એવું લાગી રહ્યું છે.

કારણ કે, પાકિસ્તાનના રક્ષા પ્રધાને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવવા માટે ડૉનાલ્ડ ટ્રમ્પને આમંત્રણ આપ્યું છે. સાથોસાથ ભારત પર કેટલાક આક્ષેપો પણ લગાવ્યા છે.

આપણ વાંચો: ઇઝરાયલ-હમાસ વચ્ચે સંઘર્ષનો અંત: ડૉનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોના પરિણામે ગાઝામાં બે વર્ષ બાદ યુદ્ધવિરામ…

મધ્યસ્થતા માટે ટ્રમ્પનું સ્વાગત છે

કામચલાઉ યુદ્ધવિરામ બાદ પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે મીડિયાને એક ઇન્ટરવ્યુ આપ્યું છે. જેમાં ખ્વાજા આસિફે અમેરિકાની ચાપલૂસી કરતા જણાવ્યું કે, “મને લાગે છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ યુદ્ધો માટે જવાબદાર રહ્યા છે. પરંતુ ટ્રમ્પ અમેરિકાના એવા પહેલા રાષ્ટ્રપતિ છે. જેમણે યુદ્ધ અટકાવ્યા છે.

પાછલા 15-20 વર્ષમાં અમેરિકાએ યુદ્ધને સ્પોન્સર કર્યો છે. પરંતુ ટ્રમ્પ એવા પહેલા રાષ્ટ્રપતિ છે, જેણે શાંતિ વાર્તા કરી છે. જો તેઓ પાકિસ્તાન-અફઘાનિસ્તાનના યુદ્ધમાં મધ્યસ્થતા કરાવવા ઈચ્છે છે, તો તેમનું સ્વાગત છે.”

પાકિસ્તાન-અફઘાનિસ્તાનના યુદ્ધમાં મધ્યસ્થતા કરાવવા માટે આમંત્રણ આપવાની સાથોસાથ ખ્વાજા આસિફે ભારત પર પણ આક્ષેપો કર્યા છે. ખ્વાજા આસિફે જણાવ્યું કે, કાબૂલ ભારત માટે પ્રોક્સી વોર લડી રહ્યું છે. તાલિબાનનો નિર્ણય ભારતથી સ્પોન્સર થઈ રહ્યો છે. તાલિબાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તકી એક અઠવાડિયા પહેલા ભારત પ્રવાસથી પાછા ફર્યા છે. તેઓ શું યોજના બનાવીને આવ્યા છે, એ જોવું રહ્યું.

આપણ વાંચો: ડૉનાલ્ડ ટ્રમ્પ ફરી મેદાનમાં: કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચે યુદ્ધવિરામ કરાવવા વેપાર રોકવાની આપી ધમકી

પડોશીઓને દોષ આપવો પાકિસ્તાનની ટેવ

પાકિસ્તાન તરફથી પોતાના પર લાગેલા આક્ષેપોનો ભારતે જવાબ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે જણાવ્યું છે કે, “ત્રણ વાતો સ્પષ્ટ છે. પહેલી એ કે પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને શરણ આપે છે અને આતંકી ગતિવિધિઓને પ્રોત્સાહન આપે છે.

બીજી એ કે પોતાની આંતરિક નિષ્ફળતાઓ માટે પોતાના પડોશીઓને દોષ આપવો એ પાકિસ્તાનની જૂની ટેવ છે. ત્રીજી એ કે પાકિસ્તાન એ વાતથી નારાજ છે કે, અફઘાનિસ્તાન તેના પોતાના વિસ્તાર પર સંપ્રભુતાનો પ્રયોગ કરી રહ્યું છે.”

ભારતે પાકિસ્તાન-અફઘાનિસ્તાનના યુદ્ધને લઈને પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. રણધીર જાયસ્વાલે જણાવ્યું છે કે, “ભારત અફઘાનિસ્તાનની સંપ્રભુતા, પ્રાદેશિક અખંડતા અને સ્વતંત્રતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.”

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button