ટ્રમ્પને ઝટકોઃ જન્મજાત નાગરિકતા સમાપ્ત કરવાના આદેશ પર કોર્ટે લગાવ્યો સ્ટે | મુંબઈ સમાચાર

ટ્રમ્પને ઝટકોઃ જન્મજાત નાગરિકતા સમાપ્ત કરવાના આદેશ પર કોર્ટે લગાવ્યો સ્ટે

વોશિંગ્ટન: અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તા પર આવ્યા છે. ત્યારથી જ પોતાના નિર્ણયોને લઈ ચર્ચામાં રહ્યા છે. તેમને વિદેશ સહિત દેશ માટે કેટલાક કાયદામાં ફેરફાર કર્યા છે. આ વચ્ચે તેમણે ઈમિગ્રન્ટ્સના બાળકોને જન્મજાત નાગરિકતાનો અધિકાર ન આપવા માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ ટ્રમ્પ હાલ પૂરતું ઇમિગ્રન્ટ્સના બાળકોને આપવામાં આવતા જન્મજાત નાગરિકતાના અધિકારને સમાપ્ત કરી શકશે નહીં. અમેરિકાની એક સંઘીય અપીલ કોર્ટે આ કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો છે. કોર્ટે નીચલી અદાલતના ચુકાદાને સમર્થન આપ્યું જેણે આદેશના દેશવ્યાપી અમલને અવરોધિત કર્યો હતો.

9મી સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે 2-1ના નિર્ણયમાં જણાવ્યું કે અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા આપવાનો અધિકાર બંધારણનો મૂળભૂત ભાગ છે. આ નિર્ણયે નીચલી કોર્ટના આદેશને સમર્થન આપ્યું, જેણે ટ્રમ્પના આદેશને રાષ્ટ્રવ્યાપી રોકવાનો હુકમ કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવો આદેશ અમેરિકી બંધારણની વિરુદ્ધ છે અને તેનો અમલ થઈ શકે નહીં.

કોર્ટે જણાવ્યું કે ટ્રમ્પનો આદેશ અમેરિકામાં જન્મેલા ઘણા લોકોને નાગરિકતાથી વંચિત કરે છે, જે બંધારણનું ઉલ્લંઘન છે. આ નિર્ણય સિએટલના યુ.એસ. જિલ્લા ન્યાયાધીશના નિર્ણયને સમર્થન આપે છે, ઉલ્લેખનીય છે કે તેમણે આ આદેશને રાજકીય લાભ માટે બંધારણની અવગણના ગણાવ્યો હતો. જોકે, ન્યાયાધીશ પેટ્રિક બુમાટેએ અસંમતિ દર્શાવી અને કહ્યું કે રાજ્યોને આ મામલે મુકદ્દમો દાખલ કરવાનો અધિકાર નથી.

આપણ વાંચો:  રશિયા યુક્રેન યુદ્ધમાં આવશે નવો વણાંક! 140 દિવસ બાદ યોજાયો શાંતિ વાટાઘાટો

વોશિંગ્ટન, એરિઝોના, ઇલિનોઇસ અને ઓરેગોન જેવા રાજ્યોએ આ આદેશનો વિરોધ કર્યો હતો, જેનું કહેવું હતું કે જો દેશના અડધા ભાગમાં જન્મસિદ્ધ નાગરિકતા લાગુ રહેશે, તો તેનાથી વહીવટી સમસ્યાઓ ઊભી થશે. આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચવાની શક્યતા વધી છે.

અમેરિકી બંધારણનો 14મો સુધારો સ્પષ્ટ કહે છે કે અમેરિકામાં જન્મેલો અથવા પ્રાકૃતિક રીતે નાગરિક બનેલો કોઈપણ વ્યક્તિ, જે અમેરિકી અધિકારક્ષેત્ર હેઠળ આવે છે, તે અમેરિકી નાગરિક છે. રાજ્ય સરકારોનું માનવું છે કે ટ્રમ્પનો આદેશ 1898ના સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયની વિરુદ્ધ છે, જેમાં સાન ફ્રાન્સિસ્કોમાં ચીની માતાપિતાના બાળકને અમેરિકી નાગરિક ગણવામાં આવ્યો હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button