ટ્રમ્પની ચીન પર રહેમનજર! ટેરિફ ઘટાડ્યો, આ મહત્વપૂર્ણ કરાર પણ કર્યો | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ટ્રમ્પની ચીન પર રહેમનજર! ટેરિફ ઘટાડ્યો, આ મહત્વપૂર્ણ કરાર પણ કર્યો

બુસાન: દક્ષિણ કોરિયાનાં ગ્યોંગજુ શહેરમાં એશિયા-પેસિફિક આર્થિક સહયોગ (APEC) સમિટ ચાલી રહી છે, જેમાં હાજરી આપ્યા બાદ બુસાન શહેરમાં યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ટ્રમ્પે કહ્યું કે ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેનો વેપાર વિવાદ મામલે “સમાધાન” થઈ ગયું છે, બેઠક બાદ ટ્રમ્પે ચીન પર ટેરીફ ઘટાડવાની જાહેરાત કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપિંગ સાથેની બેઠકને સફળ અને અદ્ભુત ગણાવી હતી. ટ્રમ્પે યુએસમાં આયાત થતા ચીનના ઉત્પાદનો પરનો ટેરિફ 57 ટકાથી ઘટાડીને 47 ટકા કરવાનો નિર્ણય જાહેર કર્યો. ટ્રમ્પે ચીન પર લગાવવામાં આવેલો “ફેન્ટાનાઇલ ટેરિફ” 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવાની જાહેરાત કરી છે, નવા ટેરીફ દર તાત્કાલિક લાગુ થશે.
કથિત રીતે ડ્રગ્સ બનાવવા માટે વાપરાતા રાસાયણ યુએસના પાડોશી દેશોમાં મોકલવા બદલ ટ્રમ્પે ચીનની પ્રોડક્ટસ પર 20 ટકા ટેરિફ લાદ્યો હતો. હવે ટ્રમ્પે કહ્યું, મારું માનવું છે કે યુએસમાં થતા મોતને રોકવા માટે ખૂબ શી જિનપિંગ સખત મહેનત કરશે.

આ મહત્વપૂર્ણ સોદો થયો:

ટ્રમ્પે એવી પણ જાહેરાત કરી કે ચીન સાથે રેર અર્થ મિનરલ્સ માટે એક વર્ષની મહત્વની ડીલ થઇ છે, જેને લંબાવી શકાય છે. આ સોદા પર વાર્ષિક ધોરણે ફરીથી વાટાઘાટો કરવામાં આવશે.

યુક્રેન યુદ્ધ રોકવા સહરાયા પ્રયાસ:

ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ અને શી રશિયા-યુક્રેન યુદ્ધના ઉકેલ માટે સાથે મળીને પ્રયાસ કરશે, શીએ સહયોગ માટે સહમતી દર્શાવી છે. ટ્રમ્પે સ્પષ્ટતા કરીકે બેઠક દરમિયાન તાઇવાન અંગે ચર્ચા થઇ ન હતી.

શી એ શું કહ્યું?

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઘણા વર્ષો પછી ટ્રમ્પને ફરી મળવા અંગે આનંદ વ્યક્ત કર્યો. તેમણે શું કહ્યું, “અમારા માર્ગદર્શન હેઠળ ચીન-યુએસ સંબંધો એકંદરે સ્થિર રહ્યા છે. બંને દેશોની અલગ અલગ પરિસ્થિતિઓને હોવા છતાં એકબીજા સાથે હંમેશા તણાવપૂર્ણ સંબંધ રહ્યા નથી અને વિશ્વની બે અગ્રણી અર્થવ્યવસ્થાઓ માટે ક્યારેક ક્યારેક ઘર્ષણ થવું સામાન્ય છે.”

ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ એપ્રિલ 2026 માં ચીનની મુલાકાત પણ લેશે. તેમણે એમ પણ કહ્યું જે શી પણ યુએસની મુલાકાતે આવશે.

આ પણ વાંચો…ટેરિફ વોરનો અંત? બુસાનમાં ટ્રમ્પ-શી જિનપિંગની મહત્ત્વની બેઠક શરૂ, ચાર વર્ષ બાદ સામસામે

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button