હમાસને ટ્રમ્પની ચેતવણીઃ સમજૂતીનું પાલન નહીં થયું તો અંત વધુ ખતરનાક અને હિંસક હશે…

વોશિંગ્ટનઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના સમજૂતી કરાર કરવામાં આવ્યા પછી ફરી ઘર્ષણનું નિર્માણ થયું છે ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ચેતવણી આપતા કહ્યું છે કે જો હમાસ તેના 20 પોઈન્ટ શાંતિ સમજૂતી અન્વયેના યુદ્ધવિરામનું પાલન નહીં કરે તો મિડલ ઈસ્ટના અનેક સાથી દેશ ગાઝામાં હમાસ વિરુદ્ધ લડાઈ કરવા ઈચ્છુક છે. સમજૂતીનું પાલન નહીં કર્યું તો હમાસનો અંત વધુ ઝડપી, ક્રૂર અને હિંસક હશે.
સોશિયલ મીડિયા ટ્ર્રુથ પર ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે મિડલ ઈસ્ટ માટે માટે જે પ્રેમ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે હજારો વર્ષોમાં ક્યારેય જોવા મળ્યો નથી. અત્યારનો માહોલ સારો છે. મેં આ બધા દેશ અને ઈઝરાયલને જણાવ્યું છે કે અત્યારે નહીં. અત્યારે એટલી અપેક્ષા રાખવામાં આવે છે હમાસ યોગ્ય પગલાં ભરશે. પણ જો એમ થયું નહીં તો હમાસનો અંત નિશ્ચિત છે.
ઘણા દેશો શાંતિ દળો મોકલવામાં ખચકાટ અનુભવી રહ્યા છે, કારણ કે તેઓ હમાસ સાથેના મુકાબલામાં ફસાઈ જવા માગતા નથી. આ અહેવાલ પછી ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન આવ્યું છે. અહીં એ જણાવવાનું કે સાતમી ઓક્ટોબરમાં ગાઝામાં મોટી હિંસા થઈ હતી, જેને કારણે ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરુ થયું હતું. હાલમાં ટ્રમ્પની શાંતિ યોજના હજુ પણ પ્રાથમિક અને નાજુક તબક્કામાં છે. અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ શાંતિ-સમજૂતીને મજબૂત બનાવવા માટે ઈઝરાયલ પહોંચ્યા છે.
પહેલા તબક્કામાં હમાસને બંધક બનાવેલા બાકી 15 લોકોના મૃતદેહ સોંપવાના છે, પરંતુ તેઓ દાવો કરે છે કે તેમના મૃતદેહો કાઢવાનું મુશ્કેલ છે. બીજા તબક્કામાં હમાસના તાત્કાલિક નિઃશસ્ત્રીકરણ અને ગાઝાની ભાવિ સરકારમાં હમાસની ભૂમિકાને નાબૂદ કરવાની અપીલ કરી છે, જેને હજુ સુધી હમાસે સ્વીકારી નથી.