
એડિનબર્ગ: આ વર્ષે યુએસના રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે ઈમિગ્રેશન બાબતે સતત સક્રિય રહ્યા છે. યુએસમાં ગેરકાયદે ઈમિગ્રેશન રોકવા તેમણે ઘણા કડક નિર્ણયો લીધા છે અને લાગુ કર્યા છે. હવે તેમણે યુરોપના રાષ્ટ્રોને ગેરકાયદે ઈમિગ્રેશન અંગે ચેતવણી આપી છે. સ્કોટલેંડની મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇમિગ્રેશનને કારણે યુરોપ બરબાદ થઇ રહ્યું છે, યુરોપના દેશોએ એકસાથે મળીને તેની સામે કામ કરવાની જરૂર છે.
યુનાઈટેડ નેશન્સના વર્ષ 2020 ના એક અંદાજ મુજબ, યુરોપમાં લગભગ 8.7 કરોડ ઇન્ટરનેશનલ માઈગ્રન્ટ્સ રહે છે. સ્કોટલેન્ડમાં લેન્ડ થયા બાદ પત્રકારો સાથે વાત કરતા, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઘણા યુરોપિયન દેશોએ આ ભયાનક ઘુસણખોરીને અટકાવવાની જરૂર છે. ઇમિગ્રેશનના મુદ્દા પર યુરોપના દેશોએ સાથે મળીને કામ કરવું જોઈએ.
ટ્રમ્પે કહ્યું, “કેટલાક દેશોએ તાત્કાલિક પગલા ભરવાની જરૂર છે. યુરોપના કેટલાક નેતાઓએ ઈમિગ્રેશન સામે પગલા ભર્યા છે, પરંતુ તેમને તેની યોગ્ય ક્રેડીટ નથી મળી રહી, હું હમણાં તેમનાં નામ આપી શકું છું, પરંતુ હું બીજાઓને શરમમાં મુકવા નથી માંગતો. આ ઇમિગ્રેશન યુરોપને બરબાદ કરી રહ્યું છે.”
ટ્રમ્પે યુએસ-મેક્સિકો સરહદ પર કરવામાં આવેલી કડક કાર્યવાહીનો ઉલ્લેખ કરતા કહ્યું, “જેમ તમે જાણો છો, ગયા મહિને, અમારા દેશમાં કોઈ પ્રવેશી શક્યું નહીં. અમે ઘુસી ગયેલા ઘણા લોકોને હાંકી કાઢ્યા છે.”
ગેરકાયદે ઇમિગ્રન્ટના દેશનિકાલ માટે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટું અભિયાન ચલાવવાની ટ્રમ્પે પ્રતિજ્ઞા લીધી છે અને અત્યાર સુધીમાં હજારો લોકોને દેશનિકાલ કર્યા છે. ટ્રમ્પે લાગુ કરેલી કડક ઈમિગ્રેશન પોલિસીનો યુએસમાં વ્યાપક વિરોધ પણ થઇ રહ્યો છે, કેમ કે યુએસમાં વિશ્વની સૌથી વધુ ઇમિગ્રન્ટટ્સ રહે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ યુરોપના પ્રવાસ દરમિયાન સ્કોટલેન્ડમાં તેમની બે ગોલ્ફ પ્રોપર્ટીની મુલાકાત લેશે અને યુકેના વડા પ્રધાન કીર સ્ટારમર અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે બેઠક કરશે.
આ પણ વાંચો…H-1B વિઝા ધારકો જાણી લો આ ખાસ વાત, નહીંતર અમેરિકામાં પ્રવેશવું મુશ્કેલ બની જશે…