Top Newsઇન્ટરનેશનલ

ગ્રીન કાર્ડ બાદ ટ્રમ્પે H-1B વિઝા માટે લોટરી સિસ્ટમ બંધ કરી, હવે આ રીતે સિસ્ટમથી મળશે વિઝા…

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર H-1B વિઝા અંગે ધરખમ ફેરફારો કરી રહ્યા છે. ગ્રીન કાર્ડ માટે લોટરી સિસ્ટમ બંધ કર્યા બાદ H-1B વર્ક વિઝા માટે લાંબા સમયથી ચાલતી લોટરી સિસ્ટમને સમાપ્ત કરવામાં આવી છે. લોટરી સિસ્ટમને બદલે સ્કિલ્ડ, ઉચ્ચ પગાર ધરાવતા વિદેશી વર્કર્સને વિઝા માટે પ્રાથમિકતા આપતી સીસ્ટમ લાગુ કરવામાં આવશે. આ ફેરફારને કારણે ભારતના નવા ટેક પ્રોફેશનલ્સને યુએસના વર્ક વિઝા મેળવવાનું વધુ મુશ્કેલ બની શકે છે.

યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના જણાવ્યા અનુસાર, નવી સિસ્ટમ 27 ફેબ્રુઆરી, 2026 થી લાગુ થશે, જે હેઠળ નાણાકીય વર્ષ 2027ની શરૂઆત બાદ વાર્ષિક ધોરણે અંદાજે 85,000 H-1B વિઝા ફાળવશે.

આ કારણે લેવામાં આવ્યો નિર્ણય:
નિષ્ણાતોના જણવ્યા મુજબ ભારત અને ચીન જેવા દેશોના વર્કર્સ ઓછા પગાર પર યુએસ બેઝ્ડ કંપનીઓ માટે કામ કરવા તૈયાર થાતાં હતાં, જેને કારણે યુએસ કંપનીઓ વિદેશી વર્કર્સને નોકરી પર રાખવાને પ્રાથમિકતા આપતી હતી.

ટ્રમ્પ વહીવટીતંત્રના જણાવ્યા મુજબ સમય સાથે યુએસની ટેક કંપનીઓમાં ભારત અને ચીનના વર્કર્સની સંખ્યા ખુબ વધી ગઈ છે અને યુએસના લોકોની રોજગારી છીનવાઈ રહી છે. હવે ટ્રમ્પ વહીવટીતંત્ર તેની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ હેઠળ સ્થાનિક વર્કર્સને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.

USCIS

$1,00,000 પણ ચુકવવા પડશે:
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) ના જણાવ્યા મુજબ, યુએસના એપ્લોયર્સ H-1B વિઝા માટેની હાલની રેન્ડમ સિલેકશન પ્રોસેસનો દુરુપયોગ કરી રહ્યા છે. તેઓ અમેરિકન વર્કર્સને ચૂકવવા પડે તેના કરતા ઓછા વેતન પર વિદેશી વર્કર્સને નોકરી પર રાખી રહ્યા છે.

નવા નિયમોની જાહેરાત સાથે પ્રેસ રિલીઝમાં એમ પણ જણાવવામાં આવ્યું કે નવા દરેક H-1B વિઝા માટે એમ્પ્લોયર્સને $1,00,000 ચૂકવવાની અગાઉની જાહેરાત લાગુ રહેશે.

ગ્રીન કાર્ડ લોટરી પ્રોગ્રામ પણ બંધ:
નોંધનીય છે કે તાજેતરમાં રોડ્સ આઇલેન્ડ રાજ્યમાં આવેલી બ્રાઉન યુનિવર્સિટીમાં થયેલી શૂટિંગની ઘટનામાં બે વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતાં અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(MIT)માં થયલા ગોળીબારમાં એક પ્રોફેસરનું મોત થયું હતું.

હુમલાખોરની ઓળખ ક્લાઉડિયો મેન્યુઅલ નેવ્સ વેલેન્ટે તરીકે થઇ હતી, તે વર્ષ 2017 માં ડાયવર્સિટી લોટરી ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામ (DV1) મારફતે યુએસમાં પ્રવેશ્યો હતો અને લોટરી સીસ્ટમથી તેને ગ્રીન કાર્ડ મળ્યું હતું.

આ માહિતીને આદરે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીન કાર્ડ લોટરી પ્રોગ્રામ બંધ કરવાની જાહેરાત કરી હતી, હવે H-1B વર્ક વિઝા માટે પણ લોટરી સીસ્ટમ બંધ કરી છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button