ટ્રમ્પના ટેરિફ બોંબનો વિશ્વમાં ઉઠ્યો વિરોધનો વંટોળ, WTOમાં લઈ જવાશે મુદ્દો

વોશિંગ્ટનઃ અમરેકિાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજથી વિવિધ દેશો પર વિવિધ રેસિપ્રોકલ ટેરિફ લાદી દીધો છે. ટ્રમ્પની જાહેરાત સાથે જ વિવિધ દેશોમાંથી તેનો વિરોધ થવા લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરતાં જણાવ્યું કે, મારી દ્રષ્ટિએ અમેરિકાના ઈતિહાસનો સૌથી મહત્ત્વપૂર્ણ દિવસ છે. લાંબા સમયથી વિદેશી રાષ્ટ્રો અમેરિકાને લૂંટતા હતા. આ આર્થિક સ્વતંત્રતાની જાહેરાત છે. વર્ષોની મહેનત છતાં અમેરિકન નાગરિકોનું યોગદાન અમારા માટે ઓછું હતું, પરંતુ હવે અમારે ધનવાન થવાનો સમય આવી ગયો છે.
ઈટલીએ શું કહ્યું
ઈટલીના વડાં પ્રધાન જોર્જિયા મેલોનીએ યુરોપિયન યુનિયન સંઘ પર લગાવવામાં આવેલા 20 ટકા રેસિપ્રોકલ ટેરિફને ખોટો ગણાવ્યો હતો. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું, અમેરિકા સાથે એક સમજૂતીની દિશામાં કામ કરવાના શક્ય તમામ પ્રયાસ કરીશું. તેનો ઉદ્દેશ એક વેપાર યુદ્ધથી બચવાનો છે.
કોઈ વેપાર યુદ્ધ નથી ઈચ્છતુંઃ બ્રિટન
ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાગુ કર્યા બાદ, બ્રિટનના વેપાર સચિવે કહ્યું, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફની અસરને ઓછી કરવા તેઓ એક બિઝનેસ ડીલ કરશે. કોઈ પણ દેશ વેપાર યુદ્ધ નથી ઈચ્છતા. અમારો ઈરાદો સમજૂતી કરવાનો છે. સરકાર બ્રિટનના રાષ્ટ્રીય હિતની રક્ષા માટે શકય તમામ પ્રયાસ કરશે.
આ પણ વાંચો : અમેરિકા આજથી લાગુ કરશે ભારત સહિત અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ, વ્હાઇટ હાઉસે કરી જાહેરાત…
ડબલ્યુટીઓમાં મુદ્દો ઉઠાવીશુંઃ બ્રાઝીલ
બ્રાઝીલ સરકારે રેસિપ્રોકલ ટેરિફનો મુદ્દો ડબલ્યુટીઓમાં લઈ જવાની વાત કરી છે. બ્રાઝીલે કહ્યું કે, અમે આ મુદ્દો વિશ્વ વેપાર સંગઠનમાં લઈ જવાનું વિચારી રહ્યા છીએ. બ્રાઝિલની કૉંગ્રેસ સહમતિથી એક બિલ પસાર કરશે. જનો હેતુ બ્રાઝિલના સામાન પર ટેરિફ લગાવનારા કોઈપણ દેશ કે વેપાર સંગઠન સામે વળતી કાર્યવાહી કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે આજે ભારત પર 26 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જે ભારત દ્વારા અમેરિકાના સામાન પર લગાવવામાં આવતાં 52 ટકાથી અડધો છે. તેમણે ભારતને ખૂબ કડક ગણાવીને આ પગલું અમેરિકન નોકરીઓને બચાવવા માટે જરૂરી હોવાનું જણાવ્યું હતું. ટ્રમ્પના આ પગલાથી ભારતના ઑટોમોબાઈલ, કપડાં, ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પર અસર પડી શકે છે.