મુસ્લિમ દેશો પ્રત્યે ટ્રમ્પ આકરા પાણીએ! આ 12 દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર મૂક્યો પ્રતિબંધ

વોશિંગ્ટન ડી સી, અમેરિકાઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ડોલાન્ડ ટ્રમ્પે 12 દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ સાથે સાથે અન્ય 7 દેશના નાગરિકો પર આંશિક પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. અમેરિકા હવે વિદેશી દેશો સાથે સખ્તાઈ ભર્યું વર્તન કરવા લાગ્યું છે.
આ 12 દેશોના નાગરિકો પર અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વાત કરવામાં આવે તો, અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, કોંગો, ઇક્વેટોરિયલ ગિની, એરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન અને યમનના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દેશોના નાગરિકોને હવે અમેરિકામાં પ્રવેશ આપવામાં નહીં આવે. આ ઉપરાંત 7 અન્ય દેશોના લોકો પર પણ પ્રતિબંધ મૂક્યો છે, તેમાં બુરુન્ડી, ક્યુબા, લાઓસ, સિએરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલાનો સમાવેશ થાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયને લોકોએ ‘ટ્રમ્પ ટ્રાવેલ બૅન’ ગણાવ્યો
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પહેલા રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન પણ 7 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, બાદમા 2018 માં અમેરિકન સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી હતી. ટ્રમ્પે પોતાના નિવેદન એવું કહ્યું છે કે, આ નિર્ણય પોતાના દેશની સુરક્ષા માટે લેવામાં આવ્યો છે. આને કેટલાક લોકો ‘ટ્રમ્પ ટ્રાવેલ બૅન’ કહે છે.
વ્હાઇટ હાઉસે સત્તાવાર રીતે જણાવ્યું કે, જે દેશો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેઓ સ્ક્રીનીંગ અને સુરક્ષા તપાસમાં નિષ્ફળ ગયા છે. જેથી અમેરિકાની સુરક્ષા માટે આ ગંભીર નિર્ણય લેવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબીગેઇલ જેક્સને એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના વચનનું પાલન કરી રહ્યા છે કે તેઓ અમેરિકનોને ખતરનાક વિદેશી તત્વોથી સુરક્ષિત રાખશે’.
આ દેશો પર શા કારણે પ્રતિબંધ લાદવામાં આવ્યો?
મહત્વની વાત એ છે કે, આ વખતે માત્ર મુસાફરી પર પ્રતિબંધ લાદવામાં નથી આવ્યો. આ પ્રતિબંધ B-1 (વ્યવસાય), B-2 (પર્યટન), F (વિદ્યાર્થી), M (વ્યાવસાયિક) અને J (વિનિમય કાર્યક્રમ) જેવા બિન-ઇમિગ્રન્ટ વિઝા પર પણ લાગુ થવાનો છે. પ્રતિબંધના કારણોની વાત કરવામાં આવે તો, અફઘાનિસ્તાનમાં તાલિબાન નિયંત્રણ, ઈરાન અને ક્યુબામાં રાજ્ય પ્રાયોજિત આતંકવાદ, ચાડમાં B1/B2 વિઝા માટે 49.54% ઓવરસ્ટે દર અને એરિટ્રિયામાં F, M, અને J વિઝા ધારકો માટે 55.43% ઓવરસ્ટે દર મુખ્ય કારણ છે. જોકે, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એ વાત પણ હકીકત છે કે અમેરિકી સરકાર મુસ્લિમ દેશો પ્રત્યે વધારે આકરા નિર્ણયો લઈ રહી છે.
આ પણ વાંચો….ડ્રોન અટેક બાદ યૂક્રેન-રશિયા વચ્ચે થઇ વાટાઘાટો; આ મોટો નિર્ણય લેવામાં આવ્યો…