ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ઓબામાની ધરપકડ થશે! ટ્રમ્પે વિડીયો શેર કરતા અટકળો શરુ

વોશિંગ્ટન ડી સી: યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિવાદાસ્પદ નિર્ણયો અને નિવેદનો માટે જાણીતા છે, જેના કારણે તેઓ સતત ચર્ચામાં રહે છે. સોમવારે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો હતો, જે હાલ ચર્ચાના કેન્દ્ર(Donald Trump shared a video)માં છે. શેર કરવામાં આવેલા AI-જનરેટેડ વીડિયોમાં જોવા મળે છે કે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ના અધિકારીઓ વ્હાઈટ હાઉસમાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા(Barak Obama)ની ટ્રમ્પની સામે ધરપકડ કરે છે.
વિડીયોના શરૂઆતમાં ઓબામાના જાહેર સભાને સંબોધતા જોવા મળે છે, તેઓ કહી રહ્યા છે કે “ખાસ કરીને રાષ્ટ્રપતિ કાયદાથી ઉપર છે”. જો કે વિડીયોમાં તેમનો અવાજ નથી, AIથી જનરેટ કરવામાં આવેલો અવાજ જોડવામાં આવ્યો છે. ઓબામા બાદ યુએસના ઘણા રાજકારણીઓના દ્રશ્યો આવે છે, જેમાં તેઓ કહેતા સંભળાય છે કે, “કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી.” તેમના અવાજ પણ AI જનરેટડ છે
ત્યારબાદ AI-જનરેટેડ વિઝ્યુઅલ્સ આવે છે, જેમાં જોવા મળે છે કે ઓબામા અને ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં બેઠા છે. અચાનક FBI એજન્ટો આવે છે અને ઓબામાને પકડીને નીચે ઝુકાવી હાથકડી પહેરાવે છે, આ દરમિયાન ટ્રમ્પ હસતા હસતા બધું જોઈ રહ્યા છે. ત્યાર બાદ ઓબામા કેદીઓના કપડામાં જેલમાં બેઠા હોય તેવા AI-જનરેટેડ વિઝ્યુઅલ્સ આવે છે.
ટ્રમ્પના ઓફિશિયલ ટ્રુથ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કોઈ કેપ્શન લખવામાં આવ્યું હતું, આ વિડીયો AI જનરેટડ હોવાનો પણ ઉલ્લેખ કર્યો નથી. લોકો આ વિડીયો પોસ્ટ કરવા અંગે ટ્રમ્પની ટીકા કરી રહ્યા છે.
શું ખરેખર ઓબામાની ધરપકડ થશે?
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ ટ્રમ્પે ઓબામા પર ચૂંટણી દરમિયાન છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ગયા અઠવાડિયે, યુએસ ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગેબાર્ડે ખુલાસો કર્યો હતો કે તેમની પાસે પુરાવા છે કે ઓબામાના કાર્યકાળ દરમિયાન અધિકારીઓએ વર્ષ 2016 ની ચૂંટણી પછી ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનતા રોકવા ‘ટ્રમ્પ-રશિયા મિલીભગત’ની થિયરી ઉપજાવી કાઢી હતી. તેમણે ઓબામા પર કેસ ચલાવવાની પણ વાત કરી હતી.
ગબાર્ડે દાવો કર્યો છે કે 114 પાનાના ડોકયુમેન્ટથી જાણવા મળ્યું છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના નેશનલ સિક્યોરિટી કેબિનેટે “રશિયા ઈચ્છે છે કે ટ્રમ્પ ચૂંટણી જીતે” એ વાત ઉપજાવી કાઢવા ગુપ્ત માહિતી સાથે છેડછાડ કરી હતી. ગબાર્ડે X પર લખ્યું, “તેમનો હેતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પને રોકવાનો અને અમેરિકન લોકોની ઇચ્છાને નષ્ટ કરવાનો હતો. “
ડોનાલ્ડ ટ્રમ્પે આ વીડિયો પોસ્ટ કરતા સોશિયલ મીડિયા પર તેમની ટીકા કરવામાં આવી. સાથે એવી પણ શક્યતા સેવાઈ રહી છે આગામી દિવસોમાં ઓબામાની ખરેખર ધરપકડ થઈ શકે છે.
આપણ વાંચો: કોલ્ડપ્લે કન્સર્ટ વિવાદ: CEO ના વાયરલ વીડિયોથી ટેક કંપનીમાં રાજીનામું…