ટ્રમ્પનો ભારતને વધુ એક ફટકો, વિદેશી દવાઓ પર 100 ટકા ટેરિફ, ક્યારથી થશે અમલ ?
Top Newsઇન્ટરનેશનલ

ટ્રમ્પનો ભારતને વધુ એક ફટકો, વિદેશી દવાઓ પર 100 ટકા ટેરિફ, ક્યારથી થશે અમલ ?

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને વધુ એક મોટો ફટકો આપ્યો હતો. તેમણે વિદેશી દવાઓ પર 100 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ એક ઓક્ટોબરથી લાગુ થશે. ટ્રમ્પની આ નિર્ણયની સૌથી વધુ અસર ભારતીય દવા નિર્માતાઓ પર પડશે.

ટ્રમ્પે શું લખ્યું

ટ્રમ્પે આ નિર્ણયની જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર કરી હતી. તેમણે આ નિર્ણયને લઈ લખ્યું, 1 ઓક્ટોબર 2025થી અમે કોઈપણ બ્રાન્ડેડ કે પેટન્ટેડ દવા ઉત્પાદન પર 100 ટકા ટેરિફ લગાવીશું. જ્યાં સુધી કંપની અમરેકિામાં પોતાનો ફાર્મા પ્લાન્ટ કે ફેક્ટરી ન સ્થાપે ત્યાં સુધી આ લાગુ રહેશે. જો કોઈ કંપનીનો પ્લાન્ટ નિર્માણાધીન હશે તો તેના પર ઉત્પાદન પર કોઈ ટેરિફ નહીં લાગે.

આ ઉપરાંત અમેરિકામાં તમામ હેવી ડ્યુટી ટ્રકોની આયાત પર 25 ટકા ટેરિફ અને કિચન કેબિનેટ પર 50 ટકા ટેરિફ લગાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે વિદેશી કંપનીઓ અમેરિકન બજારમાં ફર્નિચર અને કિચન કેબિનેટ મોટા પ્રમાણમાં સપ્લાય કરી રહી છે, જેનાથી ઘરેલું ઉદ્યોગ પ્રભાવિત થઈ રહ્યો છે. આ જ રીતે, વિદેશી હેવી ટ્રક અને તેના પાર્ટ્સ અમેરિકન નિર્માતાઓ માટે પડકાર બન્યા છે.

નિષ્ણાતો શું કહે છે

ટ્રમ્પનું કહેવું છે કે આ પગલું માત્ર ઘરેલું ઉદ્યોગની સુરક્ષા માટે જ નહીં પણ રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ જોડાયેલું છે. અમેરિકામાં ફુગાવો વધ્યો છે તેવા જ સમયે આ જાહેરાત કરવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વધારાના ટેરિફથી મોંઘવારી વધુ વધી શકે છે અને આર્થિક વિકાસની ગતિ ધીમી પડી શકે છે.

ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ માટે અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર

ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ માટે અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે. આ ઉદ્યોગની સંસ્થા, ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઑફ ઇન્ડિયા અનુસાર, નાણાકીય વર્ષ 2024 માં, ભારતના કુલ $27.9 બિલિયન મૂલ્યના ફાર્મા નિકાસમાંથી 31 ટકા અથવા $8.7 બિલિયન અમેરિકા ગયું હતું.

રિપોર્ટ મુજબ, ભારત અમેરિકામાં ઉપયોગમાં લેવાતી 45 ટકાથી વધુ જેનરિક અને 15 ટકા બાયોસિમિલર દવાઓ સપ્લાય કરે છે. ડૉ. રેડ્ડીઝ, અરબિંદો ફાર્મા, ઝાયડસ લાઇફસાયન્સીસ, સન ફાર્મા અને ગ્લેન્ડ ફાર્મા જેવી કંપનીઓ કથિત રીતે યુએસ બજારમાંથી તેમના કુલ રેવન્યુના 30-50 ટકા સુધી કમાય છે.

પણ વાંચો… US H-1B વિઝાના નવા નિયમો ભારતીયો માટે અન્ય દેશના રસ્તા ખોલશે, પણ અમેરિકાનો વિકલ્પ બની શકે?


MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button