મમદાની દુશ્મનથી બની ગયા ટ્રમ્પના દોસ્ત! વ્હાઇટ હાઉસમાં મુલાકાત બાદ બદલી ગયા અમેરિકાના સૂર

વોશિંગ્ટન: અમરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સૌથી મોટા વિરોધી ગણાતા જોહરાન મમદાની સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને વચ્ચેની આ બેઠક ખૂબ જ સકારાત્મક રહી હતી. તાજેતરમાં અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કના મેયર તરીકે ચૂંટાયેલા જોહરાન મમદાની અને ટ્રમ્પ વચ્ચેની પ્રથમ મુલાકાત દરમિયાન ઘણા મુદ્દાઓ પર સહમતિ સધાઈ હતી, જેને લઈને ટ્રમ્પે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ અને ન્યુયોર્કના નવા ચૂંટાયેલા મેયર બંનેના સંબંધોથી કોઈ અજાણ નથી. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ જાહેર મંચ પર મમદાનીને ‘વામપંથી પાગલ’ જેવા ઉપનામો આપી ચૂક્યા છે. તો વળી મમદાનીએ ટ્રમ્પ વહીવટને ‘સરમુખત્યારશાહી’ ગણાવ્યો હતો અને પોતાને ‘ડોનાલ્ડ ટ્રમ્પનું સૌથી ખરાબ સ્વપ્ન’ ગણાવ્યું હતું. ત્યારે હવે બંને વચ્ચે વ્હાઇટ હાઉસમાં બેઠક યોજાઇ હતી.
આ પણ વાંચો: ન્યૂયોર્કના મેયર તરીકે મમદાનીની જીતથી વોલ સ્ટ્રીટમાં ચિંતાનો માહોલ…
જોકે, તેમની પ્રથમ મુલાકાતમાં તેમણે આવાસની પરવડે તેવી કિંમત અને કરિયાણાના સામાન તથા ઉપયોગિતાઓની કિંમત પર ચર્ચા કરી હતી. મમદાનીએ મોંઘવારીને બરાબર તે જ રીતે મુખ્ય મુદ્દો બનાવ્યો હતો, જેમ રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2024ની ચૂંટણીમાં કર્યો હતો. મુલાકાત પછી ટ્રમ્પે કહ્યું, “આપણે બધા બદલાઈએ છીએ. જ્યારે હું પહેલીવાર સત્તામાં આવ્યો હતો, ત્યારથી હું ઘણો બદલાઈ ગયો છું… અમે કેટલીક બાબતો પર ચર્ચા કરી… પણ મને પૂરો વિશ્વાસ છે કે તેઓ ખૂબ સારું કામ કરી શકે છે. મને લાગે છે કે તેઓ કેટલાક રૂઢિચુસ્ત લોકોને આશ્ચર્યચકિત કરશે.”
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું નવા મેયરના શાસન હેઠળ તેમને શહેરમાં રહેવું આરામદાયક લાગશે, તો રાષ્ટ્રપતિએ કહ્યું: “ખરેખર મને એવું લાગશે, ખાસ કરીને આ બેઠક પછી.” ટ્રમ્પે કહ્યું, “અમે મમદાનીને દરેકના સ્વપ્નને સાકાર કરવામાં મદદ કરીશું: એક મજબૂત અને સુરક્ષિત ન્યૂ યોર્ક બનાવવાનું.”



