કતાર પર મિસાઈલ હુમલા બદલ નેતન્યાહૂએ માફી માંગી! જાણો વ્હાઇટ હાઉસમાં શું થયું…

વોશિંગ્ટન ડી સી: ઇઝરાયલ ગાઝામાં છેલ્લા બે વર્ષથી સામાન્ય નાગરીકોનો નરસંહાર કરી રહ્યું છે, આ દરમિયાન ઈઝરાયેલ મધ્ય પૂર્વના પાંચ દેશો પર હુમલો કરી ચુક્યું છે. ગત 9 સપ્ટેમ્બરના રોજ ઈઝરાયેલે કતારના દોહામાં મિસાઈલ વડે હુમલો કર્યો હતો, હવે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ કતારના વડા પ્રધાન મોહમ્મદ બિન અબ્દુલરહેમાન બિન જાસિમ અલ થાનીની માફી માંગી છે.
અહેવાલ મુજબ, ગાઝામાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરવા બેન્જામિન નેતન્યાહૂ યુએસ રાષ્ટ્રપતિના સત્તાવાર વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતાં. અહેવાલ મુજબ નેતન્યાહૂએ વ્હાઇટ હાઉસથી ફોન કરીને દોહામાં હુમલો કરવા બદલ અલ થાનીની માફી માંગી છે. નેતન્યાહૂને કતારના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવા બદલ માંફી માંગવી પડી છે.
અહેવાલ મુજબ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક દરમિયાન નેતન્યાહૂએ અલ થાની સાથે ફોન પર થોડી મિનિટો માટે વાત કરી હતી. હુમલામાં કતારી સુરક્ષા ગાર્ડના એક સભ્યના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
નોંધનીય છે કે દોહામાં ઇઝરાયલી હુમલા બાદ કતારે હમાસ સાથે વાટાઘાટોમાં મધ્યસ્થી કરવાનો ઇનકાર કરી દીધો હતો, હવે જ્યારે ગાઝામાં યુદ્ધવિરામ માટે વ્હાઈટ હાઉસમાં ચર્ચા થઇ રહી છે ત્યારે નેતન્યાહૂને કતારના વડાપ્રધાનની માફી માંગવી પડી છે. આ દરમિયાન, કતારની એક ટેકનિકલ ટીમ પણ વ્હાઇટ હાઉસમાં હાજર રહી હતી.
ઇઝરાયલે કતારના દોહામાં એલ બિલ્ડીંગ પર હુમલો કર્યો હતો, ઇઝરાયેલના જણાવ્યા મુજબ આ હુમલામાં હમાસના વરિષ્ઠ અધિકારી ખલીલ અલ-હય્યા સહિત છ લોકો માર્યા ગયા હતા. કતારે જણાવ્યું હતું કે હુમલામાં તેના આંતરિક સુરક્ષા દળોનો એક સભ્ય માર્યો ગયો હતો.
આ પણ વાંચો…યુએનમાં નેતન્યાહૂએ કહ્યું હમાસને સમાપ્ત કરવું પડશે, અનેક દેશના પ્રતિનિધિઓ વોકઆઉટ કર્યું