‘તમે ફ્રોડ એડ ચલાવી રહ્યા છો….’ રોષે ભરાયેલા ટ્રમ્પે કેનેડા પર વધુ 10% ટેરીફ લાદ્યો | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

‘તમે ફ્રોડ એડ ચલાવી રહ્યા છો….’ રોષે ભરાયેલા ટ્રમ્પે કેનેડા પર વધુ 10% ટેરીફ લાદ્યો

વોશિંગ્ટન ડીસી: યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કેનેડા પર ગેરમાર્ગે દોરનારી જાહેરાતો ચલાવવાનો આરોપ લગાવ્યો હતો અને કેનેડા સાથે તમામ વેપાર વાટાઘાટો બંધ કરવાની જાહેરાત કરી હતી. એવામાં શનિવારે ટ્રમ્પે કેનેડા સામે વધુ એક પગલાની જાહેરાત કરી હતી, તેમણે કહ્યું કે યુએસમાં કેનેડિયન આયાત પરના ટેરિફમાં 10 ટકાનો વધારો કરવામાં આવશે.

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતની સરકારે એક એડ કેમ્પેઈન ચલાવી હતી. મેજર લીગ બેઝબોલની વર્લ્ડ સિરીઝની એક મેચ દરમિયાન પ્રસારિત આવેલી એક એડમાં પૂર્વ યુએસ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન કહી રહ્યા છે, ટેરિફ વેપાર યુદ્ધો શરુ કરશે અને આર્થિક મુશ્કેલીઓ ઉભી કરશે. નોંધનીય છે રોનાલ્ડ રેગનને રિપબ્લિકન પાર્ટીના આઇકોન માનવામાં આવે છે, આ એડથી ડોનાલ્ડ ટ્રમ્પ નરાજ થયા છે.

ટેરીફમાં વધારો:

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર આ જાહેરાત કરતા કહ્યું કેનેડા તથ્યોને ખોટી રજૂ કરી રહ્યું છે. આ શત્રુતાપૂર્ણ કૃત્યને કારણે, હું કેનેડા પર હાલ જેટલો ટેરિફ છે, તેમાં 10% વધુ વધારી રહ્યો છું.

પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે કેનેડા રેગનના ટેરિફ અંગેના ભાષણ અંગે ભ્રામક જાહેરાત પ્રસારિત કરતા રંગે હાથે ઝડપાયું છે. રેગન ફાઉન્ડેશને કહ્યું કે કેનેડાએ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગનના અમુક નક્કી કરેલા ઑડિઓ અને વિડિઓનો જ ઉપયોગ કરીને એડ કેમ્પેઈન ચલાવી છે.

કેનેડાને મોટો ફટકો:

કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ શુક્રવારે કહ્યું હતું કે કેનેડા યુએસ સાથે વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવા માટે તૈયાર છે. હવે ટ્રમ્પની આ જાહેરાત બાદ કેનેડાને મોટો ફટકો પડ્યો છે.

કોરિયામાં આયોજિત એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC)સમિટના ડીનર દરમિયાન અન્ય વૈશ્વિક નેતાઓ સાથે ટ્રમ્પ અને કોર્ની હાજર રહેવાના છે. પરંતુ ટ્રમ્પે કહ્યું છે કે તેમનો કાર્નીને મળવાનો કોઈ ઈરાદો નથી.

અગાઉ યુએસએ કેનેડિયન આયાતો પર 25 ટકા અને કેનેડાના એનર્જી પ્રોડક્ટ પર 10 ટકા ટેરિફ લાદ્યો હતો.

આપણ વાંચો:  કેનેડામાં ભારતીય યુવતીની રહસ્યમય રીતે હત્યા, હોસ્પિટલમાં કરતી હતી કામ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button