ઇન્ટરનેશનલ

અમેરિકામાં આ 75 દેશોના નાગરિકોને નો એન્ટ્રી, પાકિસ્તાન આ લિસ્ટમાં છે કે નહીં એ જાણો

વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ બન્યા બાદના એક વર્ષમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અનેક અવનવા નિર્ણયો લઈ રહ્યા છે. પોતાના નિર્ણયોથી તેઓ વિદેશી નાગરિકોને અમેરિકામાં આવતા અટકાવી રહ્યા છે. આ શ્રેણીમાં હવે અમેરિકાએ વધુ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા એક અત્યંત મહત્વનો નિર્ણય લેતા વિશ્વના 75 દેશોના અરજદારો માટે વિઝા પ્રક્રિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે.

કયા ક્યા દેશો પર મૂકાયો પ્રતિબંધ

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા પ્રતિબંધ મૂકાયેલા દેશોની યાદીમાં રશિયા, બ્રાઝિલ, નાઈજીરીયા, અફઘાનિસ્તાન, ઈરાન અને ઈરાક જેવા દેશોનો સમાવેશ થાય છે. આ નવા પ્રતિબંધો 21 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે. પોતાના નવા નિર્ણયને લઈને ટ્રમ્પ વહીવટીતંત્રે દલીલ કરી છે કે, જે અરજદારો અમેરિકામાં આવીને સરકારી સહાય અથવા કલ્યાણકારી યોજનાઓ પર નિર્ભર બની શકે છે , તેમને રોકવા અનિવાર્ય છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પિગોટના જણાવ્યા અનુસાર, “અમેરિકન જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ રોકવા માટે આ કડક સ્ક્રીનીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.”

કોના વિઝા રિજેક્ટ થઈ શકે?

નવેમ્બર 2025 ની માર્ગદર્શિકા મુજબ, હવે કોન્સ્યુલર અધિકારીઓ પાસે વિઝા નકારવા માટે વધુ સત્તા છે. કેટલાક માપદંડો હેઠળ કોન્સ્યુલર અધિકારીઓ વિઝા રિજેક્ટ કરી શકે છે. આ માપદંડોમાં વધુ પડતું વજન (ઓબેસિટી) અથવા વૃદ્ધાવસ્થા, અંગ્રેજી ભાષામાં નિપુણતાનો અભાવનો સમાવેશ થાય છે. આ સિવાય ભૂતકાળમાં સરકારી રોકડ સહાય પર નિર્ભર રહેનાર અરજદાર તથા ભવિષ્યમાં લાંબા ગાળાની મોંઘી તબીબી સારવારની જરૂર પડવાની શક્યતા હોય તેવા અરજદારના વિઝા રિજેક્ટ થઈ શકે છે.

કયા દેશો પર પ્રભાવ પડશે?

મુખ્યત્વે સોમાલિયા, રશિયા, બ્રાઝિલ, ઈજિપ્ત, નાઈજીરીયા, થાઈલેન્ડ અને યમન જેવા દેશોના નાગરિકોના પ્રવેશ પર કાપ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને સોમાલિયા પર કડક નજર રાખવામાં આવી રહી છે. મિનેસોટામાં થયેલા એક મોટા સરકારી ભંડોળના છેતરપિંડી કૌભાંડ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હજારો લોકો ખોટા દસ્તાવેજો દ્વારા સહાય મેળવતા હોવાનું ખુલ્યું હતું.

અગાઉ કયા કયા દેશો પર મૂકાયો પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે, જૂન 2025માં રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે 12 દેશના નાગરિકોના અમેરિકામાં આવવા પર પ્રતિબંધ લાદ્યો હતો. જ્યારે 7 દેશોના નાગરિકો પર શરતોને આધિન પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી. અમેરિકા દ્વારા અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, કોંગો પ્રજાસત્તાક, વિષુવવૃત્તીય ગિની, એરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન તથા યમનના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ ઉપરાંત બુરંડી, ક્યૂબા, લાઓસ. સિએરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલાના નાગરિકો પર આંશિક પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

અમેરિકન સરકાર દ્વારા ટ્રાવેલ અને ઇમિગ્રેશનના નિયમોમાં તાજેતરમાં કરેલા ફેરફારમાં બુર્કિના ફાસો, માલી, નાઇઝર, સાઉથ સુડાન અને સીરિયાના નાગરિકો માટે સંપૂર્ણપણે ટ્રાવેલ બેન કરવામાં આવ્યું છે. આ સિવાય ફિલિસ્તાન દ્વારા જાહેર કરવામાં આવેલા ટ્રાવેલ ડૉક્યુમેન્ટની મદદથી અમેરિકા આવતા લોકોને પણ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ સિવાય અમેરિકાએ અંગોલા, એન્ટિગુઆ અને બારબુડા, બેનિન, કોટ ડી આઈવર, ડોમિનિકા, ગૈબોન, ગામ્બિયા, મલાવી, મોરિટાનિયા, નાઇઝીરિયા, સેનેગલ, તન્જાનિયા, ટોંગા, જામ્બિયા અને જિબ્બાવેના નાગરિકોના અમેરિકા પ્રવેશ પર શરતી પ્રતિબંધ લાદ્યો છે.

આ પણ વાંચો…ટ્રમ્પની પાકિસ્તાન પર ‘ડિજિટલ સ્ટ્રાઈક’: મુનીરને ફેવરિટ જનરલ કહેનારા ટ્રમ્પે પાકિસ્તાનીઓ કેમ લપેટમાં આવ્યા?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button