ટ્રમ્પે યુએસના આ જાણીતા અખબાર સામે માંડ્યો 1320 કરોડ રૂપિયાનો દાવો! જાણો શું છે મામલો…

ન્યુ યોર્ક: ચોંકાવનાર નિર્ણયો લેવા માટે જાણીતા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મોટો નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા યુએસના અખબાર ન્યૂ યોર્ક ટાઈમ્સ સામે ટ્રમ્પે 15 બિલિયન ડોલર(1320 કરોડ રૂપિયા)નો માનહાની દાવો દાખલ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ટ્રમ્પ ફલોરિડા રાજ્યમાં આ દાવો દાખલ કરવા જઈ રહ્યા છે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરી લખ્યું, “આજે હું ગર્વ અનુભવું છું કે હું આપણા દેશના ઇતિહાસમાં સૌથી ઘૃણાસ્પદ અને અધોગતિ પામેલા અખબારોમાંના એક ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ સામે 15 બિલિયન ડોલરનો માનહાનિ દાવો દાખલ કરવા જઈ રહ્યો છું, આ અખબાર કટ્ટરપંથી ડાબેરી ડેમોક્રેટ પાર્ટીનું ‘મુખપત્ર’ બની ગયું છે.”

અખબાર સામે ટ્રમ્પના ગંભીર આરોપ:
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે ગત વર્ષે યુએસ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે તેમના હરીફ ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસની તરફેણ કરી હતી, અખબારના પહેલા પાના પર કમલાને મુખ્ય સ્થાન આપવામાં આવતું હતું. જે દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું ગેરકાયદેસર પ્રચાર અભિયાન હતું.
ટ્રમ્પે એવો પણ દાવો કર્યો ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ તેમના પરિવાર, તેમના વ્યવસાય અને તેમના અમેરિકા ફર્સ્ટ અને મેક અમેરિકા ગ્રેટ અગેઇન (MAGA) અભિયાનો અંગે ઉપરાંત સમગ્ર રાષ્ટ્ર વિશે ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ ઉપરાંત એબીસી અને સીબીએસ જેવી યુએસ ન્યુઝ ચેનાલો પર પણ આરોપ લગાવ્યા.
ટ્રમ્પે ABC સમક્ષ અગાઉ પણ મુકદ્દમો માંડ્યો હતો. ABCએ ટ્રમ્પ લાઇબ્રેરીને $15 મિલિયનના દાન કર્યા બાદ કોર્ટની બહાર આ વિવાદ ઉકેલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાંઃ ન્યૂ યોર્ક ટાઈમ્સ, ત્રણ પત્રકારોને 4 લાખ ડોલર ચૂકવવાનો કોર્ટનો આદેશ