અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોને પકડી દેશનિકાલ કર્યા: ડૉનાલ્ડ ટ્રમ્પનો દાવો…

વોશિંગટન ડીસી: વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર આજે શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલાઓ થયા હતા. શરૂઆતમાં આ હુમલાની જવાબદારી કોઈએ સ્વીકારી ન હતી, પરંતુ શંકાની સોય અમેરિકા તરફ હતી. પરંતુ હવે અમેરિકા દ્વારા જ વેનેજુએલા પર હુમલો કર્યો હતો, એ સાબિત થઈ ચૂક્યું છે.
અમેરિકાએ કરી વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ અનેકવાર વેનેઝુએલામાં ડ્રગ કાર્ટેલ અને ગેરકાયદે પ્રવાસન રોકવા માટે સીધી કાર્યવાહીની ધમકી આપી હતી. ઓક્ટોબરમાં ટ્રમ્પે CIA ને વેનેઝુએલામાં સ્પેશિયલ ઓપરેશન ચલાવવાની મંજૂરી પણ આપી હતી. આ પૃષ્ઠભૂમિમાં જોતા, આ વિસ્ફોટો અમેરિકા દ્વારા કરવામાં આવેલી કોઈ મોટી સૈન્ય કાર્યવાહી હોઈ શકે છે તેવી અટકળો વહેતી થઈ હતી. ડૉનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને આ અટકળોને સાચી પૂરવાર કરી દીધી છે.

ડૉનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે, “અમેરિકાએ વેનેઝુએલા અને તેના નેતા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો વિરૂદ્ધ મોટાપાયે સફળતાપૂર્વક હુમલા કર્યા છે. માદુરોને તેમની પત્ની સાથે પકડી લેવામાં આવ્યા છે અને દેશની બહાર હાંકી કાઢવામાં આવ્યા છે. આ ઑપરેશન અમેરિકી લૉ એનફોર્સમેન્ટ સાથે મળીને કરવામાં આવ્યું હતું. વધુ જાણકારી બાદમાં આપવામાં આવશે. આજે સવારે 11 વાગ્યે માર-એ-લાગો ખાતે એક ન્યૂઝ કોન્ફરેન્સ થશે. આ બાબતે ધ્યાન દોરવા માટે આપનો આભાર. રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ જે. ટ્રમ્પ.”
આ પણ વાંચો…પાડોશી દેશ પર હુમલાથી ફુટ્યો કોલંબિયાના રાષ્ટ્રપતિનો ગુસ્સો, પ્રાદેશિક શાંતિ માટે ગણાવ્યો ગંભીર ખતરો
ઉલ્લેખનીય છે કે, વહેલી સવારે વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર થયેલા શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલાઓએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ ઘટના બાદ પાડોશી દેશ કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આંતરરાષ્ટ્રીય સમુદાયને હાઈ એલર્ટ પર રહેવા અપીલ કરી છે. આ હુમલાઓને કારણે મિડલ ઈસ્ટ જેવી જ અસ્થિરતા હવે લેટિન અમેરિકામાં પણ જોવા મળી રહી છે, જેનાથી વૈશ્વિક કૂટનીતિ માટે મોટો પડકાર ઉભો થયો છે.



