ટ્રમ્પના કડક પગલાથી વિદેશી વિદ્યાર્થીઓને મોટો ઝટકો; 85,000 અમેરિકી વિઝા રદ કર્યા, જાણો શું છે કારણ

વોશિંગ્ટનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા આ વર્ષે 85,000 જેટલા વિઝા રદ કરવામાં આવ્યા છે. ઇમિગ્રેશન કાયદાના અમલમાં ઝડપ લાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાની તપાસને વધુ મજબૂત કરવાના પ્રયાસરૂપે આટલી મોટી સંખ્યામાં વિઝા રદ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ પગલું સ્પષ્ટપણે દર્શાવે છે કે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પ ઇમિગ્રેશન નીતિઓ પર સતત કડક વલણ અપનાવી રહ્યા છે, અને તેમનો ઉદ્દેશ ‘મેક અમેરિકા સેફ અગેન’ (Make America Safe Again) ના નારાને ચરિતાર્થ કરવાનો છે.
85,000 visa revocations since January.
— Department of State (@StateDept) December 9, 2025
President Trump and Secretary Rubio adhere to one simple mandate, and they won't stop anytime soon pic.twitter.com/fbNYw9wj71
અમેરિકી વિદેશ વિભાગે આ કાર્યવાહીની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 85,000 વિઝા રદ કરાયા છે. મીડિયા અહેવાલ મુજબ, રદ કરાયેલા વિઝામાં 8,000થી વધુ વિદ્યાર્થી વિઝાનો સમાવેશ થાય છે, જે ગયા વર્ષની સરખામણીમાં બમણો આંકડો છે. વિઝા રદ થવાના મુખ્ય કારણોમાં ડીયુઆઈ (DUI – દારૂ પીને ડ્રાઇવિંગ), હુમલો અને ચોરી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે, જેના કારણે લગભગ અડધા વિઝા રદ કરવામાં આવ્યા છે. અગાઉના કારણોમાં વિઝા અવધિ કરતા વધુ સમય રોકાવું, અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ અને આતંકવાદને સમર્થન આપવું પણ સામેલ હતું.
ટ્રમ્પ પ્રશાસન માત્ર ગુનાહિત ગતિવિધિઓ પર જ નહીં, પરંતુ રાજકીય પ્રવૃત્તિઓ પર પણ નજર રાખી રહ્યું છે. અહેવાલમાં પ્રમાણે વહીવટીતંત્ર ગાઝાને લઈને થઈ રહેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનોમાં સામેલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર પણ કડકાઈ કરી રહ્યું છે. યહૂદી-વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપ હેઠળ આ વિદ્યાર્થીઓના વિઝા પર કાર્યવાહી કરવામાં આવી છે. આ કડકતા એવા સમયે આવી છે જ્યારે ટ્રમ્પ પ્રશાસન 5.5 કરોડ વિદેશી નાગરિકો માટે નિરંતર તપાસની નીતિને વિસ્તૃત કરી રહ્યું છે, એટલે કે વિઝા માન્ય હોય તો પણ નવી માહિતીના આધારે કોઈપણ સમયે વિઝા રદ કરી શકાય છે.
વિઝા રદ કરવાની પ્રક્રિયામાં ઝડપ લાવવા ઉપરાંત, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ઇમિગ્રેશનના અન્ય માર્ગો પણ બંધ કરવાના પ્રયાસો કર્યા છે. યુ.એસ.આઇ.એસ. (USCIS) એ જાહેરાત કરી છે કે તે ‘ચિંતાવાળા દેશો’ ના લોકોની ગ્રીન કાર્ડ અરજીઓની ફરીથી તપાસ કરવામાં આવશે. એજન્સીએ તમામ શરણાર્થી અરજીઓના નિર્ણયોને પણ હાલ પૂરતા રોકી દીધા છે. આ ઉપરાંત, તે અફઘાન નાગરિકોના વિઝા પણ બંધ કરવામાં આવ્યા છે જેમણે અગાઉ અમેરિકન સેનાને મદદ કરી હતી. ટ્રમ્પ પ્રશાસને અગાઉથી જ 19 દેશોમાંથી પ્રવાસ પર પ્રતિબંધ મૂકેલો છે. આ તમામ પગલાં ઇમિગ્રેશન પર કડક નિયંત્રણો લાગુ કરવાની ટ્રમ્પની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આપણ વાંચો: ઈમરાન ખાનની બહેનોને પાક. પોલીસ કરી ટોર્ચર, મુલાકાત અટકાવ્યા બાદ રાજનીતિ ગરમાઈ, જાણો શું છે આખો મામલો



