ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી, જાણો ક્યારથી લાગુ થશે

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી આયાત થનારા સામાન પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ માર્ચથી જ લાગુ થશે. જેનાથી મોંઘવારી અને આર્થિક મંદીનો ખતરો વધી શકે છે. વ્હાઇટ હાઉસમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું, અમે ટેરિફને સમયમર્યાદા પર લાગુ કરી રહ્યા છીએ.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અન્ય દેશ અમેરિકાથી આયાત થતા સામાન પર વધારે ટેક્સ લગાવે છે. જેનાથી અમેરિકાના ઉદ્યોગો અને નોકરીઓને નુકસાન થાય છે. તેમણે દાવો કર્યો કે, આ ટેરિફથી અમેરિકન અર્થતંત્રને ફાયદો થશે અને સરકારને વધારાની આવક થશે.
કઈ વસ્તુ પર કેટલો લાગશે ટેરિફ
કેનેડાથી આયાતઃ મોટાભાગના સામાન પર 25 ટકા ટેરિફ, પરંતુ તેલ, વીજળી જેવા ઉર્જા ઉત્પાદનો પર 10 ટકા ટેક્સ લાગશે.
મેક્સિકોથી આયાતઃ તમામ ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ લાગશે. સ્ટીલ અને એલ્યુમિનિયમઃ પહેલાથી જ 25 ટકા ટેરિફ લાગુ છે, જેને આગળ પણ યથાવત રાખવામાં આવશે.
મોંઘવારી અને ટ્રેડ વોરની શક્યતા
અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, આ ટેક્સ બોજની અસર અમેરિકાના ગ્રાહકો, જથ્થાબંધ વેપારીઓ અને નિર્માતાઓ પર પડશે. તેનાથી મોંઘવારી વધી શકે છે અને આર્થિક મંદીનો ખતરો પણ રહી શકે છે. કેટલીક મોટી કંપનીઓ ટેરિફના કારણે વેપાર-ધંધાને અસર થવાની શક્યતા વ્યક્ત કરી ચૂકી છે.
Also read: ટ્રમ્પનો ડોળો કેનેડા પર, આ લોકશાહી દેશનાં લક્ષણ નથી
ટ્રમ્પની જાહેરાતને લઈ અન્ય દેશોએ શું આપી પ્રતિક્રિયા
કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લગાવવાની ટ્રમ્પની જાહેરાતના પગલે વિશ્વના ઘણા દેશોએ પ્રતિક્રિયા આપી છે. યુરોપીયન દેશોએ કહ્યું, જો ટ્રમ્પ આ પગલું ભરશે તો તેઓ અમેરિકાના ઉત્પાદનો પર પણ ટેરિફ લગાવી શકે છે. યેલ યુનિવર્સિટીના એક અહેવાલ મુજબ, આ ટેરિફના કારણે અમેરિકાના નાગરિકોની સરેરાશ વાર્ષિક આવક 1170 ડૉલરથી 1245 ડૉલર સુધી ઘટી શકે છે.