ઇન્ટરનેશનલનેશનલ

ટ્રમ્પની પાકિસ્તાન પર ‘ડિજિટલ સ્ટ્રાઈક’: મુનીરને ફેવરિટ જનરલ કહેનારા ટ્રમ્પે પાકિસ્તાનીઓ કેમ લપેટમાં આવ્યા?

રાજકીય સંબંધોમાં ક્યારેક મીઠી વાતો પાછળ કડવા નિર્ણયો છુપાયેલા હોય છે, જેનો તાજો અનુભવ પાકિસ્તાનને થયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની જાહેરમાં પ્રશંસા કરીને પાકિસ્તાની સત્તાધીશોને ખુશ કરી દીધા હતા, પરંતુ 14 જાન્યુઆરીની રાત્રે એક એવો આદેશ બહાર પાડ્યો કે પાકિસ્તાનીઓનું ‘અમેરિકાનું સપનું’ રોળાઈ ગયું છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે પાકિસ્તાન સહિત વિશ્વના 74 અન્ય દેશના નાગરિકો માટે ઈમિગ્રન્ટ વિઝા પ્રક્રિયા અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દીધી છે. આ નિર્ણયે પાકિસ્તાનની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે.

આપણ વાચો: પાકિસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા, ડોનાલ્ડ ટ્રમ્પે આપી આ પ્રતિક્રિયા…

ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળની આ નવી ઇમિગ્રેશન પોલિસી 21 જાન્યુઆરી, 2026થી પ્રભાવી બનશે. આ આદેશ મુજબ, પાકિસ્તાન અને ઈરાન જેવા દેશોના નાગરિકો હવે અમેરિકામાં કાયમી વસવાટ (ગ્રીન કાર્ડ) માટે અરજી કરી શકશે નહીં.

ઇમિગ્રન્ટ વિઝા એટલે એવો વિઝા જે વિદેશીઓને અમેરિકામાં કાયમી રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે. આ પ્રતિબંધને કારણે હવે હજારો પાકિસ્તાનીઓ પોતાના પરિવાર પાસે અમેરિકા જઈ શકશે નહીં કે ત્યાં નવી નોકરીઓ માટે અરજી કરી શકશે નહીં.

આ આદેશમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે અમેરિકાએ જે 75 દેશ પર પ્રતિબંધ મૂક્યો છે, તેમાં ભારતનું નામ સામેલ નથી. એટલે કે, ભારતીય નાગરિકો માટે અમેરિકાના ઇમિગ્રન્ટ વિઝાની પ્રક્રિયા રાબેતા મુજબ ચાલુ રહેશે.

આપણ વાચો: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીની કરી વાત

અમેરિકાના આ વલણથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પ પ્રશાસન ભારતને એક જવાબદાર ભાગીદાર માને છે, જ્યારે પાકિસ્તાન જેવા દેશોને ‘પબ્લિક ચાર્જ’ એટલે કે અમેરિકી અર્થતંત્ર પર બોજ સમાન ગણીને તેમના પર રોક લગાવી છે. અમેરિકાનું કહેવું છે કે તેઓ એવા લોકોને પ્રવેશ નહીં આપે જેઓ ત્યાં આવીને સરકારી સહાય પર નિર્ભર રહેવાના હોય.

અમેરિકાના આ આકરા પ્રહારથી પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય ભારે મૂંઝવણમાં મુકાયું છે. પ્રવક્તા તાહિર હુસૈન અંદ્રાબીએ જણાવ્યું કે તેઓ અમેરિકી અધિકારીઓના સંપર્કમાં છે અને આ બાબતે વધુ વિગતો મેળવી રહ્યા છે.

પાકિસ્તાની મીડિયા અહેવાલ મુજબ, આ પ્રતિબંધને કારણે દર વર્ષે હજારો પાકિસ્તાની વિદ્યાર્થીઓ અને કામદારોની યોજનાઓ ખોરવાઈ જશે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે જ્યાં સુધી એ ખાતરી ન થાય કે આવનારા લોકો અમેરિકાના પૈસા પર ગુજારો નહીં કરે, ત્યાં સુધી આ રોક હટાવવામાં આવશે નહીં.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button