ટ્રમ્પ વહીવટીતંત્રનો મોટો નિર્ણય; કાશ પટેલને પદ પરથી હટાવવામાં આવ્યા

વોશિંગ્ટન ડીસી: યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ભારતીય મૂળના કાશ પટેલ(Kash Patel)ને મહત્વની જવાબદારીઓ સોંપી હતી. ટ્રમ્પે તેમને ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (FBI) ના ડિરેક્ટર અને બ્યુરો ઓફ આલ્કોહોલ, ટોબેકો, ફાયરઆર્મ્સ અને એક્સપ્લોઝિવ્સ (ATF) ના કાર્યકારી વડા તરીકેની ભૂમિકા સોંપી હતી. એવામાં હવે અહેવાલો છે કે કાશ પટેલને ATF ના કાર્યકારી વડાના પદ પરથી હટાવવામાં આવ્યા છે. તેમના સ્થાને યુએસ આર્મી સેક્રેટરી ડેનિયલ ડ્રિસ્કોલને આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રિસ્કોલ આર્મી સેક્રેટરી તરીકે સેવા આપતા રહેશે અને સાથે જ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટની શાખા, ATFની પણ કમાન સંભાળશે. ફેબ્રુઆરીના અંતમાં, કાશ પટેલે FBI ડિરેક્ટર તરીકે શપથ લીધાના થોડા દિવસો પછી, ATFના કાર્યકારી ડિરેક્ટર તરીકે શપથ લીધા.
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ નિર્ણયની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ આ ફેરફારની પુષ્ટિ કરી હતી. બુધવારે બપોર સુધી, કાશ પટેલનો ફોટો ATFની વેબસાઇટ પર હતો.
આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પનો યુ ટર્ન, ચીન સિવાય અન્ય દેશોને ટેરિફમા 90 દિવસની રાહત, શેરબજારોમાં તેજી…
કાશ પટેલ કોણ છે?
કાશ પટેલના માતા પિતા મૂળ ગુજરાતના હતાં. કાશનો જન્મ અમેરિકામાં જ થયો હતો. કાયદાનો અભ્યાસ કર્યા પછી, તેમણે વકીલ તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. કાશ પટેલનું પૂરું નામ કશ્યપ પ્રમોદ પટેલ છે. તેમણે અગાઉ હાઉસ ઇન્ટેલિજન્સ કમિટીના સ્ટાફ સભ્ય તરીકે પણ કામ કર્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન તેમને ઘણી જવાબદારીઓ પણ મળી હતી. તેમણે સંરક્ષણ વિભાગમાં ચીફ ઓફ સ્ટાફ તરીકે કામ કર્યું હતું. કાશ પટેલ ઘણા વિવાદોમાં પણ ફસાયેલા રહ્યા છે. તેમના પર ટ્રમ્પ વહીવટીતંત્રના રાજકીય એજન્ડાને આગળ વધારવા માટે તેમના પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે.