થાઈલેન્ડમાં ભયાનક ટ્રેન અકસ્માત: ક્રેન ટ્રેન પર પડતા 22 મુસાફરોના મોત

બેંગકોક: આજે બુધવારે વહેલી સવારે થાઈલેન્ડમાં એક ગંભીર ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. હાઈસ્પીડ રેલ માટેના કોરીડોરના નિર્માણકાર્ય માટે તૈનાત ક્રેન તૂટીને બાજુમાંથી પસાર થઇ રહેલી ટ્રેન પર પડી, જેને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા છે.
અહેવાલો મુજબ આ અકસ્માત આજે બુધવારે સવારે 9.05 વાગ્યે થાઈલેન્ડના પાટનગર બેંગકોકથી 230 કિમી ઉત્તરપૂર્વમાં નાખોન રત્ચાસિમા પ્રાંતના શીખિયો જિલ્લામાં બની હતી. હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર કામ કરતી એક ક્રેન તૂટી પડી અને બાજુમાંથી પસાર થતી ટ્રેન સાથે અથડાઈ, જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને ટ્રેનમાં આગ ફાટી નીકળી. હાલ આગ ઓલવાઈ ગઈ છે, બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મૃત્યુઆંક વધી શકે છે.
થાઇલેન્ડના પબ્લિક રીલેશન ડીપાર્ટમેન્ટના ઓફિશિયલ X હેન્ડલ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ ઘટનાના કારણે ઘણા મુસાફરો ટ્રેનમાં ફસાયેલા છે
આ ટ્રેન થાઈલેન્ડના બેંગકોકથી ઉબોન રત્ચાથાની પ્રાંત જઈ રહી હતી. રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કારવામાં આવ્યો છે. જેમાં જોવા મળે છે કે બચાવ કર્મીઓ અને લોકો ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો…થાણેમાં ગાયમુખ ઘાટ પાસે મોટો અકસ્માત, ઘોડબંદર રોડ ભારે ટ્રાફિક જામ; મુસાફરી ટાળવા સલાહ…



