ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

અમેરિકામાં બંદરોએ સર્જાયેલું ટ્રાફિકજામ ઉત્પાદનોની અછત અને ફુગાવામાં વૃદ્ધિ કરાવશે…

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના 60 દેશો પર ટેરિફ લાદવાના નિર્ણયની અસરનો ભોગ અમેરિકા પોતે જ જાણે બની રહ્યું છે. નવા ટેરિફ નવમી અને 10મી એપ્રિલથી લાગુ થશે, પરંતુ તે પહેલાં ટેરિફ-મુક્ત શિપમેન્ટ માટે ધસારો વધી ગયો છે અને તેના કારણે મુખ્ય યુએસ બંદરો પર ભારે ટ્રાફિક જામ થયો છે.

અમેરિકા પાસે વિશ્વના સૌથી મોટા અને આધુનિક બંદરો હોવા છતાં વહીવટીતંત્ર વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. ટેરિફ લાગુ થાય તે પહેલાં કંપનીઓ શક્ય તેટલો વધુ માલ આયાત કરવાનો પ્રયાસ કરી રહી છે, જેના કારણે ક્ધટેનરની લાંબી કતારો અમેરિકાના મોટા પોર્ટો પર જોવા મળી રહી છે.

લોસ એન્જલસ અને ન્યૂયોર્કના મુખ્ય બંદરો પર જહાજોની સંખ્યા સામાન્ય કરતા અનેક ગણી વધી ગઈ છે. તમામ બંદરો પર એકંદરે ટ્રાફિક ટ્રમ્પના ટેરિફ જાહેરાતના ત્રણ દિવસમાં જ 30થી 40 ટકા સુધી વધી ગયો છે. અમેરિકામાં લગભગ 60 શિપિંગ બંદરો હોવા છતાં તેમાંથી ચોથું સૌથી વ્યસ્ત બંદર સિએટલ બંદર છે. પોર્ટ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, ટેરિફની જાહેરાત પહેલા જ અહીં ટ્રાફિકમાં 30 ટકાનો વધારો થયો હતો.

આ પણ વાંચો:ટેરિફ વોરથી અમેરિકન શેરબજાર કકડભૂસ, ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણયનો બચાવ કરીને વ્યક્ત કર્યો આ આશાવાદ…

યુએસ નોર્થવેસ્ટર્ન પોર્ટ્સ એસોસિએશનના સીઈઓ જોન વોલ્ફસનું કહેવું છે કે આ ટ્રાફિકજામ અમેરિકામાં આવતા શિપમેન્ટની ગતિ ધીમી કરી શકે છે અને થોડા સમય માટે ઉત્પાદનોની અછત અને ફુગાવા તરફ દોરી શકે છે. તેમણે કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન પણ સપ્લાય ચેઇન પર મોટી અસર પડી હતી અને ફરી એકવાર અનિશ્ચિતતાનું વાતાવરણ છે, જેની અસર અમેરિકાની સપ્લાય ચેઇન પર જોવા મળશે.

અમેરિકાના નવમા સૌથી વ્યસ્ત ઓકલેન્ડ પોર્ટ જે એશિયન શિપમેન્ટના 74 ટકા હિસ્સો ધરાવે છે. ઇલેક્ટ્રોનિક, આઇટી અને ચિપ સંબંધિત પ્રોડક્ટો મુખ્યત્વે અહીં આવે છે. ગત મહિનાની સરખામણીમાં અહીં 20 ટકા વધુ ટ્રાફિક જોવા મળ્યો છે. લોસ એન્જલસ બંદર પર આ વર્ષે 1.03 મિલિયન ટીઈયુનો વધારો થયો છે.

આ પણ વાંચો:ટેરિફ મુદ્દે ચીન-અમેરિકા આમને સામનેઃ અમેરિકાના સામાન પર ‘ડ્રેગન’ વસૂલશે 34 ટકા ટેરિફ…

નિષ્ણાતો માને છે કે ટેરિફ લાગુ થાય તે પહેલાં શિપમેન્ટમાં વધારો થવાને કારણે, યુએસ બંદરો પર દબાણ આવશે અને તેના કારણે દેશની સપ્લાય ચેઇનને આંચકો લાગી શકે છે. અત્રે મહત્વનું છે કે ટ્રમ્પના ટેરિફ નિર્ણયને કારણે અમેરિકા લોજિસ્ટિક્સ અને વેપાર અવરોધોનો સામનો કરનાર પ્રથમ દેશ પોતે જ બની શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button