થાઇલેન્ડમાં ફેરીમાં આગ લાગતા જીવ બચાવવા પ્રવાસીઓ કૂદી પડ્યાં

બેંગકોકઃ થાઇલેન્ડની ખાડીમાં ગુરૂવારે વહેલી સવારે એક ફેરીમાં લાગેલી આગથી બચવા ગભરાયેલા મુસાફરો દરિયામાં કૂદી પડ્યા હતા અને બોર્ડ પર સવાર તમામ ૧૦૮ લોકો સુરક્ષિત રહ્યા હતા.
સુરત થાની પ્રાંતની રાત્રિની ફેરી થાઇ કિનારે આવેલા લોકપ્રિય પર્યટન સ્થળ કોહ તાઓ પર પહોંચવાની હતી. દરમિયાન મુસાફરોમાંથી એકે અચાનક અવાજ સાંભળ્યો અને ધુમાડાની ગંધ અનુભવી હતી.
આપણ વાંચો: ઔરંગાબાદમાં કાપડની દુકાનમાં આગ, બાળકો-મહિલાઓ સહિત 7ના મોત જ્યારે ઠાણે જુથ અથડામણમાં એકનું મોત
મૈત્રી પ્રોમજામ્પાએ કહ્યું કે તેણે પાંચ મિનિટથી પણ ઓછા સમયમાં ધુમાડો અને આગ નીકળતી જોઇ અને તે જ સમયે લોકો બૂમો પાડવા લાગ્યા અને એલાર્મ વાગ્યું. સુરત થાની અધિકારીઓએ ફેસબુક પર જણાવ્યું હતું કે ફેરી પરના ૧૦૮ લોકોમાંથી ૯૭ મુસાફરો હતા. આ બનાવમાં કોઇ જાનહાનિ ન થઇ હોવાનું પ્રાંતના જનસંપર્ક વિભાગે એક પોસ્ટમાં જણાવ્યું હતું.
અવાર-નવાર કામ માટે કોહ તાઓ જતા સુરત થાનીના રહેવાસી મૈત્રીએ જણાવ્યું કે મદદ માટે બોલાવ્યા પછી લગભગ ૨૦ મિનિટની આસપાસ ઘણી બોટ તેમના બચાવમાં આવી હતી. પરંતુ વિસ્ફોટના ડરથી બોટ ફેરીની નજીક જઇ શકી નહોતી.
તેમણે કહ્યું હતું કે લોકો જીવ બચાવવા સમુદ્રમાં કૂદી પડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ કારણની તપાસ ચાલી રહી છે.