તોશાખાના કેસમાં ઈમરાન ખાન અને પત્ની બુશરા બીબીની મુશ્કેલીમાં વધારો
ઇસ્લામાબાદઃ એક જવાબદેહી અદાલતે નવા તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીના રિમાન્ડમાં ૧૧ દિવસનો વધારો કર્યો છે. આ માહિતી શુક્રવારે મીડિયા અહેવાલોમાં પ્રકાશિત થઇ હતી.
જવાબદેહી કોર્ટના ન્યાયાધીશ નાસિર જાવેદ રાણાની અધ્યક્ષતામાં ગુરૂવારે રાવલપિંડીની ઉચ્ચ સુરક્ષાવાળી અદિયાલા જેલમાં સ્થાપિત કામચલાઉ કોર્ટરૂમમાં સુનાવણી થઇ હતી.
ન્યાયાધીશ રાણાએ તાજા તોષાખાના ભ્રષ્ટાચાર કેસમાં દંપતિના ૧૧ દિવસના રિમાન્ડ વિસ્તરણને મંજૂર કર્યા હતા. નોંધનીય છે કે ૭૧ વર્ષીય ઇમરાન ખાન અનેક કેસોમાં દોષિત ઠર્યા બાદ એક વર્ષ કરતાં વધુ સમયથી અદિયાલા જેલમાં બંધ છે. તેની સાથે તેની ૪૯ વર્ષીય પત્ની પણ કેદ છે.
નેશનલ અકાઉન્ટેબિલિટી બ્યુરો(એનએબી)એ કોર્ટને જણાવ્યું હતું કે આરોપીએ અગાઉના ૧૦ દિવસના રિમાન્ડ દરમિયાન માત્ર બે વાર તપાસ ટીમને સહકાર આપ્યો હતો. ભ્રષ્ટાચાર વિરોધી વોચડોગે તપાસ પૂર્ણ કરવા માટે વધારાના ૧૪ દિવસના રિમાન્ડની વિનંતી કરી હતી.
જો કે દલીલો સાંભળ્યા પછી કોર્ટે રિમાન્ડમાં ૧૧ દિવસનો વધારો મંજૂર કર્યો અને સુનાવણી ૧૯ ઓગસ્ટ સુધી મુલતવી રાખી હતી, એમ અહેવાલમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાન અને બીબી નવા તોશાખાના ભ્રષ્ટાચાર કેસના સંબંધમાં ૨૪ દિવસના રિમાન્ડ પૂરા કરી ચૂક્યા છે.